ઝઘડીયા પંથકમાં બે અલગ અલગ અકસ્માતમાં ચાર ઘાયલ
(પ્રતિનિધિ) ભરૂચ 08062019 : ઝઘડીયા પંથકમાં ગતરોજ બે અલગ અલગ અકસ્માતમાં રાણીપુરા સીએનજી પમ્પ પાસે નશેબાજ હાઈવા ચાલકે રોડ સાઈડમાં ઉભેલ કાર પર હાઈવા પલ્ટી ખવડાવી ત્રણને ઈજાઓ પહોંચાડી છે જયારે બીજા અકસ્માતમાં વાસણા થી મોરણ ગામ વચ્ચે એક બાઈક સ્લીપ થતા તેના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
વલસાડ જીલ્લાના ધરમપુરના કૈલાશબેન દયારામભાઈ હાસજી લાડ તેમના પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયા હતા.રાત્રે પરત ફળતી વેળાએ ઝઘડીયાના રાણીપુરા પાસે આવેલ સીએનજી પમ્પ પાસે રોડ સાઈડ પર તેમની સ્વીફ્ટ કાર પાર્ક કરી ઉભા હતા.ત્યારે ઝઘડીયા તરફથી એક હાઈવા ચાલાક પોતાનું વાહન ગફલત ભરી રીતે ચલાવી અચાનક રોડ સાઈડ પર ઉભેલી સ્વીફ્ટ કાર પર ઓવરલોડ સિલિકા ભરેલ હાઈવા પલ્ટી ખવડાવ્યું હતું અને સ્વીફ્ટ કાર ને ઢસડીને ૩૦ ફૂટ સુધી લઇ ગયો હતો.
સદ્દનસીબે સ્વીફ્ટ કારમાં કોઈ હતું નહિ પરંતુ બહાર ઉભેલા કૈલાશબેન દયારામભાઈ હાસજી રહે ધરમપુર,જયશ્રી બેન ઉમેશભાઈ લાડ રહે ધરમપુર તથા જગતનાથ બાબુરાવ સાળી રહે સુરત ના ઓને નાની મોટી ઈજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વર ની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. નશેબાજ હાઈવા ચાલકને સીએનજી પર ઉભેલા લોકો બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.અકસ્માત બાબતે કૈલાશબેન લાડે ઝઘડીયા પોલીસ મથકમાં હાઈવા ચાલાક વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી છે.
અકસ્માતની બીજી ઘટનામાં ઝઘડીયાના જામોલી ગામનો કલ્પેશભાઈ શૈલેષભાઈ વસાવા વાસણા થી મોરણ ગામ વચ્ચેથી પોતાની બાઈક લઈ પસાર થતો હતો તે દરમિયાન તેની બાઈક અચાનક કોઈ કારણોસર સ્લીપ થઈ હતી.જેથી તેને માથાના ભાગે ઈજાઓ થતા તેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે.*