Western Times News

Gujarati News

ઝઘડીયા મામલતદાર કચેરીમાં જરૂરી સ્ટાફના અભાવે લોક કાર્યો ગુંચવાતા હોવાની બુમ.

મામલતદારની જગ્યા મહિનાઓથી ખાલી-ઉપરાંત ચાર નાયબ મામલતદારોની કમી.

(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકા મથક ખાતેની મામલતદાર કચેરીમાં સ્ટાફ સુવિધાના અભાવે લોકોના કામો ગુંચવાતા હોવાની બુમ ઉઠવા પામી છે.ભરૂચ જીલ્લાના બધા તાલુકાઓમાં ઝઘડીયા તાલુકો પોતાનું આગવું અને ભૌગોલિક દ્રષ્ટિએ મહત્વનું સ્થાન ધરાવતો તાલુકો ગણાય છે.તાલુકાની જનતા મહદઅંશે ગરીબ આદિવાસી પ્રજાની છે.તાલુકાની મામલતદાર કચેરીમાં હાલ મામલતદાર તેમજ ચાર જેટલા નાયબ મામલતદારોની જગ્યાઓ ખાલી પડેલી છે.

મામલતદારની જગ્યા મહિનાઓથી ખાલી પડેલ છે.આગળ ઝઘડીયા ખાતેના મામલતદાર નિવૃત્ત થતાં નેત્રંગના મામલતદારને ઝઘડીયાનો પણ ચાર્જ સોંપવામા અાવ્યો હતો.મામલતદાર જેવા મહત્વના સ્થાન માટેના વહિવટ માટે એકજ અધિકારી બે સ્થળોએ પુરો સમય ન ફાળવી શકે તે સ્વાભાવિક ગણાય.ઝઘડીયા મામલતદારની જગ્યા હાલમાં પણ ખાલી પડેલી છે.નાયબ મામલતદારને ઈન્ચાર્જ મામલતદાર તરીકે ચાર્જ સોંપાયો છે.ત્યારે મામલતદારની ખાલી પડેલ જગ્યા તાકીદે ભરાય તે જરુરી બન્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ જાણવા મળ્યા મુજબ ઝઘડીયા તાલુકાની મામલતદાર કચેરીમાં બે સર્કલ સહિત નાયબ મામલતદાર કક્ષાની આઠ જગ્યાઓ પૈકી ચાર હાલ ખાલી પડેલ છે.સામાન્ય રીતે મામલતદાર કચેરીમાં વિવિધ વિભાગોનો વહિવટ સરળ બને તે માટે પુરવઠા, એમડીએમ, એટીવીટી,મતદાર શાખા,ઈ ધરા તેમજ મહેસુલ જેવા દરેક વિભાગમાં નાયબ મામલતદાર હોય છે.ઉપરાંત સર્કલ અધિકારીઓ પણ ફરજ બજાવતા હોય છે.હાલ ઝઘડીયા તાલુકામાં નાયબ મામલતદાર કક્ષાની કુલ ૮ જેટલી જગ્યાઓ પૈકી ચાર જગ્યાઓ ખાલી પડેલી છે,તેથી કેટલાક નાયબ મામલતદારો એક કરતા વધારે વિભાગોમાં ફરજ બજાવે છે.

આને લઈને કોઈ એક વિભાગમાં પુરો સમય ના આપી શકાય તે સ્વાભાવિક બાબત છે.તેથી લોકોના કામો ગુંચવાઈ રહ્યા હોવાની લોકબુમો ઉઠી રહી છે.થોડા દિવસો પહેલા જીલ્લા કલેક્ટરે ઝઘડીયા મામલતદાર કચેરીમાં આકસ્મિક ચેકિંગ કરતા તંત્ર ઉંઘતુ ઝડપાયુ હોય એવો ઘાટ થયો હતો. કલેક્ટરના ચેકિંગ બાદ બે કારકુનોની અન્યત્ર બદલી કરી દેવામાં આવી હતી.હાલમાં તાલુકાની મામલતદાર કચેરીમાં ખાલી પડેલ મામલતદારની જગ્યા તાકીદે ભરવામાં આવે તેવી લોકમાંગ પણ પ્રવર્તી રહી છે.

જીલ્લા કલેક્ટરના ચેકિંગ દરમ્યાન નાયબ મામલતદારોની કમી તેમજ મામલતદારના સ્થાને ઈન્ચાર્જ તરીકે નિમાયેલ અધિકારી વહિવટ કરતા હોય તે વાત નજરે તો પડીજ હશે,ત્યારે ઝઘડીયા મામલતદાર કચેરીમાં મામલતદાર સહિત નાયબ મામલતદારોની ખાલી પડેલ જગ્યાઓ તાકીદે ભરવામાં આવે તે જરુરી બન્યું છે.વિધાનસભાની ચુંટણીઓ નજીકમાં છે ત્યારે ઝઘડીયા મામલતદાર કચેરીમાં લોક કાર્યો ઝડપી બને તે માટે મામલતદાર તેમજ નાયબ મામલતદારોની ખાલી પડેલ જગ્યાઓ આગામી વિધાનસભાની ચુંટણી પહેલા ભરી દેવામાં આવે તેવી લોકલાગણી ફેલાવા પામી છે.

લોકોમાં ચર્ચાતી વાતો મુજબ હાલ મામલતદાર કચેરીમાં જનતાના કામોમાં વિલંબ થાય છે,ત્યારે કચેરીનો વહિવટ પ્રજાલક્ષી બનાવવા જીલ્લાનું વહિવટી તંત્ર તાકીદે યોગ્ય રસ લઈને ઘટતી કાર્યવાહી કરવા આગળ આવે તે ઈચ્છનીય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.