ઝઘડીયા GIDCમાં ઉભા બળી ગયેલા નીલગીરીના વૃક્ષો કાપી નંખાયા
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ અનુપમ રસાયણ કંપનીની બાજુમાં ઝઘડીયા જીઆઈડીસી નો પ્લોટ આવેલો છે.આ પ્લોટમાં નીલગીરીના ૫૦ થી વધુ વૃક્ષો ઉછેરવામાં આવ્યા હતા. ગત સપ્તાહે આ નીલગીરીના વૃક્ષો ઝેરી ગેસના કારણે અથવા પ્રદૂષિત પાણીના કારણે ઉભાઉભ બળી ગયા હતા.જે બાબતે જીઆઈડીસી તથા ફોરેસ્ટ વિભાગ દ્વારા કોઇ પગલાં ભરવામાં આવ્યા નથી! બળી ગયેલા વૃક્ષો હતા તે વૃક્ષો એક બે દિવસ દરમ્યાન થડ માંથી કાપી નાખવામાં આવ્યા હતા.આજુબાજુના ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું
આ વૃક્ષો અનુપમ રસાયણ કંપની દ્વારા કપાવી નાખવામાં આવ્યા છે.જેથી ગેસથી અથવા પ્રદૂષિત પાણીથી ઉભા બળી ગયેલા નીલગીરીના ૫૦ જેટલા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હોવા બાબતે ઝઘડિયા જીઆઈડીસી નોટિફાઈડ કચેરી દ્વારા પણ અનુપમ રસાયણ કંપનીને વૃક્ષો કાપી નાંખવા બાબતે નોટીસ આપી ખુલાસો માંગવામાં આવ્યો હોવાનું કચેરી દ્વારા જણાવાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડીયા જીઆઈડીસી માં આવેલી કંપનીઓ દ્વારા જાહેરમાં હવામાન તથા વરસાદી કાંસમાં પ્રદૂષિત પાણી છોડી તેનો ઢાંકપિછોડો કરવામાં આવતો હોય છે.ત્યારે અનુપમ રસાયણ દ્વારા ઉભા સુકાઈ ગયેલા વૃક્ષો કાપવાની મંજુરી થી કાપી નાંખ્યા અને તે કાપેલા વૃક્ષોનો શું કર્યું તે હવે તપાસનો વિષય બની રહ્યો છે.ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી કંપનીઓના કેટલાક સંચાલકો દ્વારા આડેધડ નિતિ નિયમો નું ઉલંઘન કરી તાનાશાહી ચલાવવામાં આવી રહી હોવાનું સ્થાનિક પંચાયતના સરપંચો તથા ગ્રામજનો નુ કહેવુ છે.