ઝઘડીયા GIDCમાં ઉભેલા ઈસમને ઈકો ગાડીએ અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઈડીસીમાં ગતરોજ રોડ ઉપર ઉભેલ ઈસમને ઈકો ગાડીએ અડફેટમાં લેતા આ ઈસમને ગંભીર ઈજાઓ થઈ હતી.
ઝઘડીયા પોલીસ માંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના કાંટોલના રહીશ ચતુરભાઈ રુપસિંગભાઈ વસાવાના બે પુત્રો ઝઘડીયા જીઆઈડીસીની એક કંપનીમાં કામ કરે છે.ગતરોજ ચતુરભાઈ સવારના છ વાગ્યાના અરસામાં તેમના પુત્રોને જીઆઈડીસીમાં મુકવા આવ્યા હતા.
ત્યાર બાદ તેમનો ભત્રીજાે તેમને લેવા આવવાનો હોઈ તેની રાહ જાેઈને રોડ ઉપર ઉભા હતા ત્યારે તે દરમ્યાન સાડા નવેક વાગ્યાના અરસામાં એક ઈકો ગાડીના ચાલકે ચતુરભાઈને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો.ઈકોની ટક્કર વાગતા ચતુરભાઈ પડી ગયા હતા.આ અકસ્માતમાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા.
અકસ્માત બાદ જીઆઈડીસીમાં કામ કરતા તેમના પુત્રોને બોલાવતા તેઓ ઘટના સ્થળે આવ્યા હતા.ઈજાગ્રસ્તને અંકલેશ્વર ખાતે ખાનગી દવાખાનામાં સારવાર માટે લઈ જવાયા હતા.જ્યાં તેઓને પગના નળા ઉપર ફેકચર થયુ હોવાનું જણાવાયું હતું.
આ ઘટના બાબતે ઈજાગ્રસ્ત ચતુરભાઈએ હોસ્પિટલ માંથી ઝઘડીયા પોલીસમાં અકસ્માત સર્જનાર ઈકો ગાડીના અજાણ્યા ચાલક વિરુધ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી હતી. ઉલ્લેખનીય છે કે ઝઘડીયા જીઆઈડીસીમાં છાસવારે નાનામોટા અકસ્માત સર્જાતા રહે છે.
જીઆઈડીસીમાં આવતા જતા ઘણા વાહનોના ચાલકો આડેધડ ગફલતભરી રીતે વાહનો હંકારતા હોવાથી અકસ્માતો થતા હોવાની ચર્ચાઓ પણ ઉઠવા પામી છે.ત્યારે તંત્ર આવા વાહન ચાલકોને નિયમોનું ભાન કરાવવા આગળ આવે તે જરુરી ગણાય છે.