ઝઘડો કરવાની ના પાડતા માતાને જ પુત્રને ધમકી
અમદાવાદ: સંતાનોની ચિંતા હમેશાં માતા પિતાને સતાવતી હોય છે. પરંતુ કેટલીક વખત સંતાનો જ માતા પિતા માટે મુસીબતના પહાડ બની જાય છે અને એવી મુશ્કેલીઓ નોતરે છે કે, ઊંઘ હરામ થઈ જાય. આવો જ એક બનાવ શહેરના બાપુનગર વિસ્તારમાં જોવા મળ્યો છે. અમદાવાદના બાપુનગરમાં પુત્રની ચિંતા કરીને લોકો સાથે ઝઘડો કરવાનીના પાડતા પુત્રએ માતાને જ ચપ્પુ બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે.
મોટો પુત્ર વિપુલ ચાલીમાં કેટલાક લોકો સાથે બોલાચાલી કરીને ઝઘડો કરી રહ્યો હતો.
બાપુનગરમાં રહેતી એક મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમા જણાવ્યું છે ક, તેનો મોટો પુત્ર વિપુલ ચાલીમાં કેટલાક લોકો સાથે બોલાચાલી કરીને ઝઘડો કરી રહ્યો હતો. તેઓ ત્યાં પહોંચ્યા હતા. જ્યાં વિપુલ ચાલી નજીકમાં કેટલાક અજાણ્યા યુવકો સાથે બોલાચાલી કરતો હતો. જેથી ફરીયાદી મહિલાએ તેને બોલાચાલી નહિ કરવા માટે જણાવતા વિપુલ તેની માતા પર ઉશ્કેરાઈ ગયો હતો. અને બીભત્સ ગાળો આપવા લાગ્યો હતો.
બીજો દીકરો વચ્ચે પાડતા તેને પણ વિપુલે બે ત્રણ લાફા મારી દીધા હતા
જોકે, આ દરમિયાન તેનો બીજો દીકરો વચ્ચે પાડતા તેને પણ વિપુલે બે ત્રણ લાફા મારી દીધા હતા. આ સાથે તેણે તેની પાસે રહેલુ ચપ્પુ બતાવીને ફરિયાદીને ધમકી આપી હતી કે ,મારા ઝઘડામાં તારે માથાકૂટ કરવાની જરૂર નથી. તું વચ્ચે ના આવીશ નહિ તો જાનથી મારી નાંખીશ. બાદમાં તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
વિપુલ સામે અગાઉ પણ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા હોવાથી તેને બે વર્ષ માટે તડિપાર કરેલ હોવાનો ઉલ્લેખ ફરિયાદીએ કરેલ છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.