ઝડપથી ટ્રેન પસાર થતાં રેલવે સ્ટેશનને ભારે નુકશાન થયું
ભોપાલ: મધ્ય પ્રદેશના બુરહાનપુર ખાતે આવેલું ચાંદની રેલવે સ્ટેશન ૧૧૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ત્યાંથી પસાર થઈ તે સાથે જ જાેતજાેતામાં ધ્વસ્ત થઈ ગયું હતું. સદનસીબે આ ઈમારત પડી તે સમયે તેના નીચે કોઈ નહોતું અને કોઈ જાનહાનિ નથી નોંધાઈ.
જાણવા મળ્યા મુજબ નેપાનગરથી અસીગઢ વચ્ચે આ ઘટના બની હતી. બુધવારે સાંજે ૪ઃ૦૦ કલાકે પુષ્પક એક્સપ્રેસે ૧૧૦ કિમી પ્રતિ કલાકની ઝડપે જંગલમાં આવેલા ચાંદની રેલવે સ્ટેશન બિલ્ડિંગને ક્રોસ કર્યું તો કંપન સહન ન થવાના કારણે તે ધ્વસ્ત થઈ ગયું હતું.
દુર્ઘટનામાં બિલ્ડિંગની બારીઓના કાચ તૂટીને પડી ગયા હતા, બોર્ડ પણ પડી ગયા હતા
ભવનના આગળના હિસ્સાનો કાટમાળ સ્ટેશન પરિસરમાં વિખરાઈ ગયો હતો. દુર્ઘટના સમયે બિલ્ડિંગની આસપાસ કામ કરી રહેલા લોકો ભાગવા લાગ્યા હતા. આ અંગે જાણ થતા જ રેલવે બોર્ડના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દુર્ઘટનાના કારણે સાંજની અનેક ટ્રેનનું પરિવહન પણ પ્રભાવિત થયું હતું.
સ્ટેશન માસ્ટર આશારામ નાગવંશીએ ફોન પર જણાવ્યું કે, ખંડવા તરફથી પવન એક્સપ્રેસ ગાડી ૩ઃ૩૦ કલાકે અને તે જ સમયે બુરહાનપુર તરફથી ગોહાટી એક્સપ્રેસ નીકળી હતી અને બંનેએ એકબીજાને ક્રોસ કર્યા હતા. બિલ્ડિંગનો હિસ્સો આશરે ૩ઃ૫૫ કલાકે પડ્યો છે જ્યારે પુષ્પક ૪ઃ૩૦ કલાકે પસાર થઈ હતી.
એડીઆરએમના કહેવા પ્રમાણે લાઈન પર બાધિત ટ્રેન સેવાઓ ફરી શરૂ થઈ ગઈ છે. આ ઘટનાના કારણે બુધવારે સાંજે આશરે ૩ કલાક સુધી ટ્રેન સેવાઓ ઠપ્પ રહી હતી. બિલ્ડિંગ ધ્વસ્ત થવા સંબંધી તપાસના આદેશ પણ આપી દેવાયા છે.