ઝડપથી ફેલાઈ રહ્યો છે ઓમિક્રોન, કોરોના વેક્સિન પડી રહી છે કમજોર: WHO
જિનીવા, કોરોના વાયરસનો નવો ઓમિક્રોન વેરિઅન્ટ દુનિયા માટે એક નવી મુસીબત બનતો જઈ રહ્યો છે. ભારતમાં ઓમિક્રોન સંક્રમણના અત્યાર સુધી 38 કેસ સામે આવી ચૂક્યા છે. આ દરમિયાન WHO એ ઓમિક્રોનને ઝડપથી ફેલાવનાર વેરિઅન્ટ ગણાવ્યો છે. સાથે જ ઓમિક્રોનથી વેક્સિનની પ્રભાવશીલતા ઓછી થવાનો દાવો કર્યો છે. જોકે, શરૂઆતી આંકડા અનુસાર, નવા વેરિઅન્ટ ગંભીર લક્ષણ પેદા કરતા નથી.
ભારતમાં તબાહી મચાવનાર ડેલ્ટા વેરિઅન્ટ સમગ્ર દુનિયામાં સંક્રમણ માટે સૌથી વધારે જવાબદાર છે. એક્સપર્ટ પણ ઓમિક્રોનને ડેલ્ટાથી ઓછો ખતરનાક વેરિઅન્ટ ગણાવી રહ્યા છે. ઘણો વધારે મ્યૂટેશનવાળો ઓમિક્રોન સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. આ જોખમને જોતા ગયા મહિને જ કેટલાક દેશોએ આફ્રિકી દેશોની મુસાફરી પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સાથે જ સંક્રમણની રફ્તારને ઓછી કરવા માટે ડોમેસ્ટિક પ્રતિબંધને ફરીથી લાગુ કર્યો.
WHOએ કહ્યુ કે 9 ડિસેમ્બર સુધી ઓમિક્રોન 63 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. દક્ષિણ આફ્રિકામાં આને ઝડપથી ફેલાવનાર વેરિઅન્ટ તરીકે જોવામાં આવ્યો, જ્યાં ડેલ્ટાની અસર ઓછી હતી. બ્રિટનમાં ડેલ્ટા વધારે ખતરનાક વેરિઅન્ટ છે. શરૂઆતી આંકડાના આધારે WHOએ કહ્યુ કે ઓમિક્રોન ઈન્ફેક્શન વિરુદ્ધ વેક્સિનની પ્રભાવશીલતાને ઓછી કરે છે. વર્તમાન ડેટા એ જણાવે છે કે કમ્યૂનિટી ટ્રાન્સમિશન હોવા પર નવો વેરિઅન્ટ ડેલ્ટાથી આગળ નીકળી શકે છે.
ઓમિક્રોન ઈન્ફેક્શનમાં અત્યાર સુધી સામાન્ય લક્ષણવાળા અથવા એસિમ્પ્ટોમેટિક કેસ જોવા મળ્યા છે. જોકે WHOનુ કહેવુ છે કે વેરિઅન્ટની ગંભીરતાને લઈને સ્પષ્ટ દાવો કરવા માટે પર્યાપ્ત સાક્ષ્ય ઉપલબ્ધ નથી. દક્ષિણ આફ્રિકાએ ઓમિક્રોન વેરિઅન્ટ વિશે WHOને 24 નવેમ્બરે જાણકારી આપી હતી.
ગયા અઠવાડિયે Pfizer/BioNTechએ પોતાની વેક્સિનના ત્રણ ડોઝને ઓમિક્રોન વિરુદ્ધ પ્રભાવશાળી ગણાવ્યા હતા. બ્રિટન અને ફ્રાંસ જેવા દેશ પણ પોતાના નાગરિકોને ઓમિક્રોનથી બચવા માટે ત્રીજો ડોઝ લેવાની અપીલ કરી રહ્યા છે. સમગ્ર દુનિયાના એક્સપર્ટ ઓમિક્રોન સંક્રમણમાં સામાન્ય તાવ, શરીરમાં દર્દ અને સૂકી ખાંસી જેવા લક્ષણ જોવા મળવાનો દાવો કરી રહ્યા છે. નવા વેરિઅન્ટમાં સ્વાદ કે ગંધને ઓળખવાની શક્તિ ખોવા જેવા લક્ષણ જોવા મળ્યા નથી.