ઝરણાવાડી નજીક ટ્રક કન્ટેનર ચાલકે પીકઅપને સામેથી ટક્કર મારતા થયો અકસ્માત
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, બેકરીનો સામાન ભરીને આવતા પીકઅપ ચાલક અકસ્માતમાં થયો ગંભીર ઈજાગ્રસ્ત.
નેત્રંગ પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુન્હો નોંધ્યો. નેત્રંગ માંડવી હાઈવે ઉપર ચાસવડ અને ઝરણાવાડી ગામ વચ્ચે વહેલી સવારે નેત્રંગ તરફથી આવતા પંજાબ પાર્સિંગના ટ્રકના ચાલકે કડોદરાથી બેકરીનો સામાન ભરીને આવતી પીકઅપને રોંગ સાઈડે આવી ટક્કર મારતા પીકઅપના ફુરચા ઉડી ગયા હતા . તેમાં ભરેલ બેકરીનો સામાન રોડ ઉપર વેરણ છેરણ થઈ જતા લોકો લઈ ગયા હતા.અકસ્માતમાં પીકઅપના ચાલકને ગંભીર ઈજાઓ થતા તેને ૧૦૮ દ્વારા નજીકના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવની નેત્રંગ પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતના કડોદરાથી મહિન્દ્રા પીકઅપ જીજે ૧૯ એક્સ ૩૬૮૨ નો ચાલક પૃથ્વીરાજ ચંપાલાલજી રાવ બેકરી પ્રોડક્ટ જેમાં બ્રેડ,ટોસ, બિસ્કિટ, માખણીયા જેવી વસ્તુઓ ભરી નેત્રંગ વેચાણ અર્થે નીકળ્યો હતો.સવારે ઝરણાવાડીથી આગળ ચાસવડ ગામ પહેલા નાળા નજીક નેત્રંગ તરફથી આવતો ટ્રક કન્ટેનર પીબી ૧૩ બીબી ૧૫૩૯ ના ચાલકે પુરઝડપે આવી ઓવરટેક કરવા જતાં સામેથી આવતી મહિન્દ્રા પીકઅપને અથાડી અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માત કરી ટ્રક કન્ટેનર ચાલક ફરાર થઈ ગયો હતો.જ્યારે પીકઅપનો ચાલક પૃથ્વીરાજ રાવ કેબિનમાં ફસાઈ જતા લોકોએ બહાર કાઢી સારવાર માટે નેત્રંગ સીએચસીમાં લઈ જવાયો હતો જયાંથી વધુ તકલીફ હોવાથી અંકલેશ્વર જયાબેન મોદીમાં ખસેડાયો હતો.અકસ્માતના બનાવની નેત્રંગ પોલીસે ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા તજવીજ હાથધરી હતી.