ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિ નિમિત્તે તેમની જીવન ઝરમર ઉપર એક નજર
(ડાંગ માહિતી બ્યુરો) આહવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જેમને ‘રાષ્ટ્રીય શાયર’ તરીકેનુ બિરુદ આપ્યુ છે, તેવા ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની આજે ૧૨૫મી જન્મજયંતિ છે. સૈકાઓથી મેઘાણી સાહિત્યની લોકપ્રિયતા અણનમ રહી છે, અને સાંપ્રત સમયમા પણ મેઘાણીજીનુ સાહિત્ય એટલી જ લોકચાહના ધરાવે છે.
પાળિયાને પણ બેઠા કરનાર, અને લોકસાહિત્યના મોતી ઘર ઘર સુધી પહોંચાડનાર મેઘાણીજીની સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતો, ધરતીનુ ધાવણ, માણસાઈના દિવા વિગેરે રચનાઓ, આજે પણ લોકોને વિરતા, પ્રેમ, કરૂણા, દયાભાવ, અને ખાનદાનીના પાઠ શીખવે છે.
કવિ, લેખક, પત્રકાર, વિવેચક, અને લોકસાહિત્યના સંશોધક, સંપાદક જેવી બહુમુખી પ્રતિભા ધરાવતા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો જન્મ તા.૨૮/૮/૧૮૯૬ ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે થયો હતો. તેઓના પિતાનુ નામ કાળીદાસ, અને માતાનુ નામ ધોળીબાઈ હતુ.
મૂળ અમરેલી જિલ્લાના બગસરા પંથકના વતની જૈન વણિક પરિવારના આ કવિના પિતા કાળીદાસ મેઘાણી, બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમા ફોજદાર તરીકે ફરજ બજાવતા હતા. તેઓએ નવલકથા, નવલિકા, નાટક, જીવન ચરિત્ર, ઇતિહાસ, પ્રવાસ વર્ણન, તેમજ સંશોધિત, સંપાદિત લોક સાહિત્ય, વિવેચન, લોકકથા, અને લોકગીત જેવા વિવિધ વિષયોના આશરે ૮૮ જેટલા પુસ્તકોનુ લેખન કર્યું છે.
લોકસાહિત્યના સંશોધન કાર્ય માટે તેઓને સર્વ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. ઝવેરચંદ મેઘાણી એ એક કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક, સંપાદક, વિવેચક, અને અનુવાદક હતા. સાથે તેઓ એક સમાજ સુધારક, અને સ્વાતંત્ર્ય સેનાની પણ હતા. તેમને લોકો દ.સ.ણી., સાહિત્યયાત્રી, વિલાપી, તંત્રી, વિરાટ, અને શાણો જેવા હુલામણા નામે પણ ઓળખે છે.
સંસ્કૃત સાથે બી.એ. નો અભ્યાસ કરનારા ઝવેરચંદનુ ભણતર રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા, અમરેલી, ભાવનગર વિગેરે જગ્યાઓએ થયુ. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્કૂલ અને હાલની ટીપી ગાંધી એન્ડ એમટી ગાંધી ગર્લ્સ સ્કૂલમા સને ૧૯૧૦ થી ૧૯૧૨ સુધી માધ્યમિક શિક્ષણ મેળવીને ૧૯૧૨ મા મૅટ્રીક થયા હતા. ઇ.સ. ૧૯૧૬મા તેઓએ ભાવનગરના શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમા સ્નાતકીય અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
ભણતર પુરુ કર્યા બાદ ઇ.સ. ૧૯૧૭મા તેઓ કોલકાત્તા સ્થિત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમા કામે પણ લાગ્યા. આ કંપનીમા કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનુ થયુ હતુ. ૩ વર્ષ આ કંપનીમા કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા.
સને ૧૯૨૨મા જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનુ ધણુ ચિંતન રહ્યું હતુ, અને તેમના કલકત્તા વાસ દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યના પરિચયમા પણ આવ્યા હતા. બગસરામા સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતા ‘સૌરાષ્ટ્ર’ નામના છાપામાં લખવાની શરુઆત કરી હતી.
સને ૧૯૨૨ થી ૧૯૩૫ સુધી તેઓ ‘સૌરાષ્ટ્ર’મા તંત્રી તરીકે રહ્યા. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ ‘કુરબાની ની કથાઓ’ ની રચના કરી. જે તેમનુ પહેલુ પ્રકાશીત પુસ્તક પણ રહ્યુ. ત્યાર બાદ તેઓએ ‘સૌરાષ્ટ્ર ની રસધાર’ નુ સંકલન કર્યુ, તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી.
કવિતા લેખનમા તેમણે ‘વેણીનાં ફુલ’ થી ઇ.સ. ૧૯૨૬મા પગરણ માંડ્યા. ઇ.સ. ૧૯૨૮મા તેમને લોકસાહિત્યમા તેમના યોગદાન બદલ ‘રણજિતરામ સુવર્ણ ચંદ્રક’ આપવામા આવ્યો. તેમના સંગ્રામ ગીતોના સંગ્રહ ‘સિંઘુડો’ એ ભારતના યુવાનોને પ્રેરીત કર્યા હતા,
અને જેને કારણે ઇ.સ. ૧૯૩૦મા ઝવેરચંદજીને બે વર્ષ માટે જેલમા પણ રહેવુ પડ્યું હતું. આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર ‘ઝેરનો કટોરો’ કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને ‘રાષ્ટ્રીય શાયર’ના બિરુદથી નવાજ્યા હતા.
તેમણે ફુલછાબ નામના છાપામા લઘુકથાઓ લખવાનુ પણ ચાલુ કર્યુ હતુ. ઇ.સ. ૧૯૩૩મા તેમના પત્નીનાં દેહાંત બાદ તેઓ ૧૯૩૪મા મુંબઈ સ્થાયી થયા. અહીં તેમના લગ્ન ચિત્રદેવી સાથે થયા. તેમણે જન્મભૂમિ નામના છાપામા ‘કલમ અને કીતાબ’ ના નામે લેખ લખવાની, તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી.
ઇ.સ. ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેઓએ ફુલછાબના સંપાદકની ભુમીકા ભજવી. જે દરમ્યાન ૧૯૪૨મા ‘મરેલાના રુધીર’ નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી. ઇ.સ. ૧૯૪૬મા તેમના પુસ્તક ‘માણસાઈ ના દીવા’ ને ‘મહીડાં પારિતોષિક’ થી સન્માનવામા આવ્યુ, અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના વડા તરીકે નીમવામા આવ્યા.
મેઘાણીજીએ ચાર નાટક ગ્રંથ, સાત નવલિકા સંગ્રહ, તેર નવલકથા, છ ઇતિહાસ, તેર જીવનચરિત્રની રચના કરી હતી. તેમણે લોકસેવક રવિશંકર મહારાજની અનુભવેલ કથાઓનુ “માણસાઇના દીવા”મા વાર્તારુપે નિરુપણ કર્યુ છે. મેઘાણી તેમના લોકસાહિત્યમા સૌરાષ્ટ્રની ધિંગી તળપદી બોલીની તેજસ્વિતા, અને તાકાત પ્રગટાવી શક્યા છે. તુલસી ક્યારો, યુગવંદના, કંકાવટી, સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધાર, અપરાધી વગેરે તેમનુ નોંધપાત્ર સર્જન છે.
તા.૯ માર્ચ ૧૯૪૭ના દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય રોગના હુમલામા તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમનું મૃત્યુ થયુ હતુ.
‘ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર’ ઃ ‘ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર’ અથવા ‘ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય પુરસ્કાર’ એ ગુજરાતી લોકસાહિત્યમા ઉલ્લેખનીય કાર્ય માટે અપાતો પુરસ્કાર છે. તેની સ્થાપના ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલય, રાજકોટ દ્વારા કરવામા આવી હતી. આ પુરસ્કારનુ નામ ગુજરાતી કવિ ઝવેરચંદ મેઘાણી પરથી જ તેમના માનમા અપાયુ છે.
ગુજરાતી લોકસાહિત્યમાં ઉલ્લેખનીય કાર્ય કે યોગદાન માટે વિજેતાને સને ૨૦૧૨ થી ૧,૦૦,૦૦૦ ની રકમ, અને પ્રશસ્તિપત્ર આ પુરસ્કારના રૂપમા આપવામા આવે છે.
સને ૨૦૧૨ ભગવાનદાસ પટેલ, ૨૦૧૩મા હસુ યાજ્ઞિક, ૨૦૧૪મા શાંતિભાઇ આચાર્ય, સને ૨૦૧૫મા જાેરાવરસિંહ જાદવ, સને ૨૦૧૬મા શિવદાન ગઢવી, સને ૨૦૧૭મા બળવંતભાઈ જાની, સને ૨૦૧૮ મા જયાનંદ જાેષીને આ પુરસ્કારથી નવાજવામા આવ્યા છે.
ટપાલ ટિકિટ ઃ ટપાલ ટિકિટ દેશના બહુમૂલ્ય તેમજ ભવ્ય પાસાંઓ જેવા કે ઇતિહાસ, ભૂગોળ, કલા અને શિલ્પ, ઉદ્યોગ અને સંચાર, કૃષિ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, ઘટનાઓ તેમજ ઐતિહાસિક મહાપુરુષોને પ્રતિબિંબિત કરે છે. સાર્વજનિક સંદેશાઓ સમગ્ર રાષ્ટ્ર તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મુકવાનુ કામ પણ ટપાલ ટિકિટ મારફત કરવામા આવે છે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા તા.૧૪ સપ્ટેમ્બર ૧૯૯૯ના રોજ મેઘાણીજીના માનમા રૂપિયા ત્રણની ટપાલ ટિકિટ બહાર પાડવામા આવી હતી.