ઝારખંડ-છત્તિસગઢમાં એક તૃતિયાંશ રસીનાં ડોઝ બરબાદ
નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર વચ્ચે દેશમાં વેક્સિનની ભારે તંગી જણાઈ રહી છે. રાજ્ય સરકારો વેક્સિનની તંગીનું ઠીકરૂ કેન્દ્ર સરકારના માથે ફોડે છે તો સામે કેન્દ્ર સરકાર આંકડાઓ દ્વારા સમજાવવા પ્રયત્ન કરે છે કે બધું બરાબર જ છે. ત્યારે વેક્સિનની તંગી વચ્ચે મોટા પાયે વેક્સિન બરબાદ પણ થઈ રહી છે જે ચિંતાજનક કહી શકાય. ઝારખંડ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં તો આશરે એક તૃતિયાંશ જેટલી વેક્સિન બરબાદ થઈ ચુકી છે.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ ખૂબ જ ચોંકાવનારા છે. વેક્સિન બરબાદ કરનારા રાજ્યોમાં ઝારખંડ સૌથી ઉપર છે જ્યાં કુલ સપ્લાયના ૩૭.૩ ટકા વેક્સિન બરબાદ થઈ છે. જ્યારે છત્તીસગઢમાં જેટલી વેક્સિન સપ્લાય થઈ હતી તેના ૩૦.૨ ટકા બરબાદ થઈ ચુકી છે. તમિલનાડુમાં ૧૫.૫ ટકા વેક્સિન બરબાદ થઈ છે. જમ્મુ કાશ્મીરમાં ૧૦.૮ ટકા અને મધ્ય પ્રદેશમાં ૧૦.૭ ટકા વેક્સિન બરબાદ થઈ છે.
વેક્સિનના વેસ્ટેજ મામલે ટોપર ઝારખંડ સરકાર આ મામલે કેન્દ્ર સરકાર સામે રોષે ભરાઈ છે. ઝારખંડ સરકારે વેક્સિન વેસ્ટેજને કેન્દ્ર સરકારનું ષડયંત્ર ગણાવ્યું છે. ઝારખંડ સરકારે વેક્સિન વેસ્ટેજના આરોપ બાદ વેક્સિનેશનનો સંપૂર્ણ આંકડો આપ્યો છે.
આ તરફ વેક્સિન વેસ્ટેજ મામલે બીજા નંબરે આવેલી છત્તીસગઢ સરકારના સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહ દેવ આ દાવાને હાસ્યાસ્પદ ગણાવે છે. તેમના કહેવા પ્રમાણે માત્ર ૧ ટકા જેટલો જ વેક્સિન વેસ્ટેજ આવી રહ્યો છે.