ઝારખંડ રોપ-વે રેસ્ક્યૂ-ઓપરેશન: રેસ્ક્યૂ દરમિયાન પડી ગયેલી મહિલાનું મોત
દેવઘર, ઝારખંડના દેવઘરમાં ત્રિકુટ પર્વત ખાતે રોપ-વે દુર્ઘટનાના 45 કલાક બાદ રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ થયું હતું. રોપ-વેની ટ્રોલીમાં ફસાયેલા 48 લોકોમાંથી 46 લોકોને બચાવી લેવાયા છે.
દુર્ઘટનામાં કુલ 4 લોકોના મોત થયા છે અને 12થી વધુ લોકો ઘાયલ છે. બચાવ દરમિયાન બીજા દિવસે પણ એક મહિલા ટ્રોલીમાંથી પડી જતા તેનું મૃત્યુ થયું હતું. સોમવારે પણ એક યુવકે હેલિકોપ્ટરમાં ચડતી વખતે પડી જવાથી જીવ ગુમાવ્યો હતો.
ઝારખંડના દેવઘરમાં ત્રિકુટ પર્વત પર રોપ-વે અકસ્માતના ત્રીજા દિવસે પણ રેસ્ક્યૂ દરમિયાન અકસ્માત થયો હતો. ટ્રોલીમાંથી બહાર નીકળતી વખતે એક મહિલા અચાનક મહિલા પડી ગઈ હતી અને તે મોતને ભેટી હતી. એરફોર્સના જવાનોએ હેલિકોપ્ટર દ્વારા 2500 ફૂટની ઊંચાઈએ પહોંચીને રોપ-વેની બે ટ્રોલીમાં ફસાયેલા 46 લોકોને બચાવી લીધા છે.
સેના, વાયુસેના, આઈટીબીપી અને NDRFની ટીમ દ્વારા સોમવારે 12 કલાકના ઓપરેશન બાદ 33 લોકોને ત્રણ હેલિકોપ્ટર વડે બચાવી લેવામાં આવ્યા હતા.
રેસ્ક્યૂ દરમિયાન સેફ્ટી બેલ્ટ તૂટી જવાને કારણે એક વ્યક્તિનું હેલિકોપ્ટરમાંથી નીચે પડી જવાથી મોત થયું હતું. અંધારું અને ધુમ્મસને કારણે ઓપરેશન બંધ કરવામાં આવ્યું હતું. અત્યારસુધીમાં કુલ ત્રણ લોકોનાં મોત થયાં છે. વહીવટીતંત્ર દ્વારા એકની પુષ્ટિ કરવામાં આવી નથી, જ્યારે 12 લોકો ઘાયલ થયા છે.