ઝાલોદ તાલુકામાં તમાકુ નિયંત્રણ અધિનિયમનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી
૮૧ કેસો નોંધી રૂ ૨૦ હજારથી વધુનો દંડ ફટકારાયો
દાહોદ, તા. ૨૩ : આગામી તા. ૨૬ જુનના રોજ વિશ્વ વ્યસન મુક્તિ દિન આવી રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લામાં તમાકુ નિયંત્રણ માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત આજ રોજ જીલ્લા તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ ધ્વારા ઝાલોદ શહેર ખાતે સરપ્રાઇઝ ચેકિંગ-રેડ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત કુલ ૮૧ કેસ નોંધી રૂ. ૨૦૭૦૦/- નો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ સરપ્રાઇઝ ચેકિંગમાં એન.ટી.સી.પી. ટીમ જીલ્લા પંચાયત-દાહોદ, ઝાલોદ તાલુકા આરોગ્ય વિભાગ, પોલીસ તંત્ર અને ફેથ ફાઉન્ડેશન – વડોદરાની સંયુકત ટીમ બનાવીને તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 કાયદાની અમલવારી માટે દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉપરાંત જાહેર સ્થળો પર પ્રતિબંધ અને જનજાગૃતિ માટે કામગીરી કરવામાં આવી હતી. જે અંતર્ગત COTPA-2003 ની કલમ 6 હેઠળ 81 કેસ નોંધી કુલ રકમ રૂા. 20700/- નો દંડ કરવામાં આવ્યો છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.ડી. પહાડીયા અને એપેડેમીક મેડીકલ ઓફિસર શ્રી ડો. ડી.એન.પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી, ઝાલોદ ડો. ડી. કે. પાન્ડે ના માર્ગદર્શનમાં જીલ્લા તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સે આ કાર્યવાહી કરી હતી.