ટાઇગર હવે હોલિવુડ ફિલ્મ કરવા માટે તૈયાર છે
મુંબઇ, બોલિવુડમાં એક્શન હિરો તરીકેની જારદાર છાપ ઉભી કરનાર ટાઇગર શ્રોફ હવે ટુંક સમયમાં જ હોલિવુડની ફિલ્મમાં પણ પોતાના એક્શન કરીને તમામ ચાહકોને રોમાંચિત કરનાર છે. તે હોલિવુડ ફિલ્મમાં પોતાના દિલધડક એક્શન સ્ટંટના જલવા દર્શાવનાર છે. હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે હોલિવુડના નિર્માતા લોરેન્સ કૈસાનોફની નજર ટાઇગર શ્રોફ પર પડી છે. તે ટાઇગરથી ખુબ વધારે પ્રભાવિત છે. પોતાની ફિલ્મને નક્કી કરવા માટે તેઓ મુંબઇ પહોંચી ગયા છે. મળેલી માહિતી મુજબ સિદ્ધાર્થ આનંદ દ્વારા બનાવવામાં આવનાર હોલિવુડની એક્શન ફિલ્મ રેમ્બોની હિન્દી રીમેકમાં ટાઇગર શ્રોફ કામ કરનાર છે. તે ફિલ્મમાં સિલ્વેસ્ટર સ્ટેલોનની ભુમિકા અદા કરનાર છે.
ટાઇગર શ્રોફ અને હોલિવુડના સુપર હિટ મોર્ટલ કોમ્બેટ ફિલ્મના સીરીઝના નિર્માતા વચ્ચે મુંબઇની એક હોટેલમાં વાતચીત થઇ છે. એક મોટા સ્ટુડિયોના હેડ લેરી અને ફિલ્મ બેટમેન સીરિઝના લેખક કેથરીન પણ ટાઇગરને મળવા માટે મુંબઇમાં પહોંચ્યા છે. આનો અર્થ એ થયો કે ટાઇગર શ્રોફ હવે ટુંક સમયમાં જ હોલિવુડની ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. તે હિન્દી ફિલ્મો ઓછી કરે તેવા સંકેત દેખાઇ રહ્યા છે.
હિરોપંતિ ફિલ્મ મારફતે જેકી શ્રોફના પુત્ર ટાઇગર શ્રોફે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. છેલ્લે તેની બાગી-૨ ફિલ્મ સુપર હિટ સાબિત થઇ હતી. તેની દિશા સાથે મિત્રતાના કારણે પણ હાલમાં બોલિવુડમાં ચર્ચા છે. ટાઇગર અને દિશા એકબીજાના પ્રેમમાં છે. આ અંગેના હેવાલ વારંવાર આવતા રહે છે. દિશા અને ટાઇગર વારંવાર તમામ પ્રસંગોમાં એક સાથે નજરે પડે છે. દિશા ટાઇગર સાથે ફિલ્મમાં પણ સાથે કામ કરી ચુકી છે. જો કે ટાઇગર શ્રોફ અને દિશાએ પ્રેમ પ્રકરણના સંબંધમાં વધારે વાત કરવાના બદલે હાલમાં પોતાની ફિલ્મી કેરિયર પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. ટાઇગર એક ફિલ્મ રિતિક રોશન સાથે પણ હાલમાં કરી રહ્યો છે.