ટાટા ઓક્સિજન લઈ જવા ૨૪ ક્રાયોજેનિક કન્ટેનર આયાત કરશે
નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેરમાં લોકોને શ્વાસ ચઢવાના લક્ષણો વધુ જાેવા મળી રહ્યા છે આવામાં દર્દીઓએ હોસ્પિટલમાં દાખલ થવાની જરુર પડી રહી છે, આવામાં હોસ્પિટલમાં ખાટલા ખુટવાની અને ઓક્સિજનના સપ્લાયની કમી સામે આવી રહી છે. આવામાં આખો દેશ સામે મળીને આગળ આવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. જેમાં દેશના મોટા ઔદ્યોગિક ગ્રુપ ટાટ ગ્રુપે પણ સંકટના સમયમાં હાથ લંબાવ્યો છે. ટાટ ગ્રુપ લિક્વિડ ઓક્સિજન લઈ જવા માટે ૨૪ ક્રાયોજેનિક કન્ટેનરોની આયાત કરશે અને સાથે જ દેશમાં ઓક્સિજનની અછત દૂર કરવામાં મદદરુપ બનશે.
ટાટા ગ્રુપે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, ટાટા ગ્રુપ લિક્વિડ ઓક્સિજનના પરિવહન માટે ૨૪ ક્રાયોજેનિક કન્ટેનરો આયાત કરી રહ્યું છે દેશમાં ઓક્સિજનની અછત ઘટાડવામાં મદદરુપ બનશે. ઓક્સિજન સંકટને ઘટાડવા માટે ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા ક્રાયોજેનિક કન્ટેનરોને આયત કરવામાં આવી રહ્યા છે. ક્રાયોજેનિક કન્ટેનરને લિક્વિડ સિલિન્ડર પણ કહેવામાં આવે છે. આ ડબલ-વોલ્ડ વેક્યુમ વેસેલ હોય છે, જેમાં એનુલર સ્પેસમાં મસ્ટીલેયર ઈન્સ્યુલેશન હોય છે.
તેને લિક્વિફાઈડ ગેસના ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ માટે ખાસ ડિઝાઈન કરાય છે. આ પહેલા પણ ટાટા ગ્રુપે કોરોના સામે લડવામાં મદદનો હાથ લંબાવ્યો છે. પાછલા વર્ષે મહામારીની પહેલી લહેર દરમિયાન ટાટા ગ્રુપે વેન્ટિલેટર, વ્યક્તિગત સુરક્ષા ઉપકરણો (પીપીઈ) કિટ, માસ્ક, ગ્લવ્સ અને તપાસ કિટની વ્યવસ્થા કરી હતી. કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે ટાટા ગ્રુપે ૧,૫૦૦ કરોડનું દાન કરવાનો વાયદો કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે ઓક્સિજનની અછતને સામૂહિક રીતે પૂરી કરવા માટે દવા ઉદ્યોગ સહિત તમામ હિતધારકોને આહ્વાન કર્યું હતું. સાથે જ તેમણે કહ્યું હતું ઓક્સિજન પ્રોડક્શન અને સપ્લાયને વધારવા માટે પણ ઘણાં સ્તરો પર ઉપાય કરવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે નરેન્દ્ર મોદીએ ટાટા ગ્રુપે ભરેલા પગલાનું સ્વાગત કરવા યોગ્ય ગણાવીને તેની પ્રશંસા કરી છે. સાથે જ તેમણે કહ્યું છે કે, ભારતના લોકો સાથે મળીને કોરોના સામે લડશે.
આ બધા વચ્ચે રાજધાની દિલ્હી, ગુજરાત સહિત ઘણાં રાજ્યોમાં કોરોનાની અછતની ખબર આવી રહી છે. આ અછતને પૂરી કરવા માટેના પ્રયાસો શરુ કરાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે પાછલા ૨૪ કલાકમાં ૨,૯૫,૦૪૧ નવા કેસ નોંધાયા છે અને ૨,૦૨૩ દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવી દીધો છે. ભારતમાં કોરોનાના પોઝિટિવ આવેલા દર્દીઓનો કુલ આંકડો ૧,૫૬,૧૬,૧૩૦ થાય છે, જ્યારે ૨૧,૫૭,૫૩૮ એક્ટિવ કેસ છે.