ટાટા જૂથના ચેરમેને ટાવરમાં ૯૮ કરોડનો ડુપ્લેક્સ ખરીદ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/05/Tata.jpg)
મુંબઈ, ટાટા જૂથના ચેરમેન એન. ચંદ્રશેખરને મુંબઈના પેડર રોડ લક્ઝરી ટાવરમાં ૯૮ કરોડ રૂપિયાનો ડુપ્લેક્સ ખરીદ્યો છે. પ્રોપર્ટી માર્કેટમાં આ એક ખૂબ મોટી હાઈ પ્રોફાઈલ ડીલ તરીકે જાેવામાં આવી રહ્યું છે. જાણવા મળ્યા મુજબ ૨૮ માળની આ ઈમારત સાઉથ મુંબઈમાં જસલોક હોસ્પિટલ પાસે આવેલી છે જ્યાં ચંદ્રશેખરન છેલ્લા ૫ વર્ષથી તેમના પરિવાર સાથે લીઝ પર રહેતા હતા.
ઈમારતના ૧૧મા અને ૧૨મા માળના આ ડુપ્લેક્સનો કુલ કાર્પેટ એરિયા ૬,૦૦૦ વર્ગ ફૂટ છે. જાણવા મળ્યા મુજબ ટાટા ચેરમેન અને તેમનો પરિવાર આ બિલ્ડિંગમાં છેલ્લા કેટલાક વર્ષોથી લીઝ પર રહેતો હતો જેનું માસિક ભાડું ૨૦ લાખ રૂપિયા હતું. ચંદ્રશેખરન વર્ષ ૨૦૧૭માં ટાટા જૂથના ચેરમેન બન્યા ત્યાર બાદ ત્યાં શિફ્ટ થયા હતા. જાેકે હજુ સુધી કંપની તરફથી આ મામલે કોઈ નિવેદન સામે નથી આવ્યું.
એન. ચંદ્રશેખરન, તેમના પત્ની લલિતા અને દીકરા પ્રણવના નામ પર આ ડીલ કરવામાં આવી છે. ટાટા જૂથના ચેરમેને પ્રત્યેક વર્ગ ફૂટ માટે ૧.૬ લાખ રૂપિયા કિંમત ચુકવી છે. ઉલ્લેખનીય છે કે, ચંદ્રશેખરનને તાજેતરમાં જ ફરી એક વખત ટાટા ગ્રુપના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમનો કાર્યકાળ ૫ વર્ષનો રહેશે.
ચંદ્રશેખરન ભારતના સૌથી વધુ વેતન મેળવતા સીઈઓ પૈકીના એક છે. નાણાંકીય વર્ષ ૨૦૨૧માં તેમની આવક આશરે ૯૧ કરોડ રૂપિયા હતી.
બિલ્ડર સમીર ભોજવાની અને વિનોદ મિત્તલે વર્ષ ૨૦૦૮માં આ બિલ્ડિંગ બનાવી હતી. સમીર ભોજવાનીના નેતૃત્વવાળી કંપની જીવેશ ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા આ ફ્લેટ વેચવામાં આવ્યો છે. રિયલ એસ્ટેટ માર્કેટ તરફથી મળતા અહેવાલો પ્રમાણે મુંબઈમાં આટલી મોટી વેલ્યુનું ટ્રાન્ઝેક્શન ખૂબ ઓછું જાેવા મળે છે.
શહેરમાં લક્ઝરી એપાર્ટમેન્ટ્સની જેટલી ઈન્વેન્ટરી છે તેને સંપૂર્ણપણે વેચાતા ૧૫ વર્ષ લાગી જશે. મુંબઈમાં લક્ઝરી એપાર્ટમેન્ટ્સ વેચાણનો વાર્ષિક દર ૨૫ યુનિટ છે. એક અહેવાલ પ્રમાણે મુંબઈમાં જાન્યુઆરી ૨૦૨૨થી અત્યાર સુધીમાં માત્ર ૧૩ હાઈ વેલ્યુએશન ટ્રાન્ઝેક્શન થયા છે.SSS