ટિક્ટોકનો ઉપયોગ કરવા બદલ ઈજિપ્તે પાંચ મહિલાઓને બે વર્ષ જેલની સજા, રૂ.14 લાખનો દંડ ફટકાર્યો
કાહિરા, ઈજિપ્તમાં સોમવારે પાંચ મહિલાઓને ટિક્ટોકનો ઉપયોગ કરવા બદલ બે-બે વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.તેમના પર સમાજનું વાતાવરણ બગાડવાનો આરોપ લગાવાયો હતો. આ સાથે દરેક મહિલાને ત્રણ લાખ ઇજિપ્તિયન પાઉન્ડ ( લગભગ 14 લાખ રૂપિયા )નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
આ મહિલાઓમાં હનીમ, હોસામ અને મોવાદા અલ-અધમ સામેલ છે. સોશિયલ મીડિયા પર તેમના લાખો ફોલોઅર્સ છે. હોસામે ટિક્ટોક પર ત્રણ મિનિટનો વિડીયો પોસ્ટ કરીને 13 લાખ ફોલોઅર્સને કહ્યું હતું કે, છોકરીઓ મારી સાથે કામ કરીને રૂપિયા કમાઈ શકે છે. તો આ તરફ અધમ એ પણ ટિક્ટોક અને ઇન્સ્ટાગ્રામ પર કેટલાક વિડીયો પોસ્ટ કરીને સરકાર સામે ટિપ્પણી કરી હતી. આ વિડીયો સામે આવ્યા બાદ એપ્રિલમાં હોસામની અને મેં મહિનામાં અધમની ધરપકડ કરવામાં આવી હતી.
આ મહિલાઓની ધરપકડ બાદ દેશમાં રૂઢિવાદની સાથે સામાજિક વિભાજનને લઈને ચર્ચાઓ શરુ થઇ છે. લોકોનું કહેવું છે કે આ મહિલાઓ અમીર ઘરની નથી, એટલા માટે તેમને ટાર્ગેટ બનાવવામાં આવી છે. માનવ અધિકાર આયોગના વકીલ તારેક અલ- અવદીએ કહ્યું કે, આ મહિલાઓની ધરપકડ એ સાબિત કરે છે કે મોર્ડન કમ્યુનિકેશન ટેક્નોલોજીના સમયમાં એક રૂઢિવાદી સમાજ કેવી રીતે લોકો પર કાબુ મેળવવા ઈચ્છે છે. દુનિયામાં ટેક્નોલોજી ક્ષેત્રે ક્રાંતિ થઇ રહી છે અને સરકારે પણ તેનો સ્વીકાર કરવો જોઈએ.
ઈજિપ્તમાં ઇન્ટરનેટના ઉપયોગ મામલે ખુબ જ કડક નિયમ છે. અધિકારી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો ગણાવીને કોઈ પણ વેબસાઈટ બંધ કરી શકે છે. અહીંયા પાંચ હજારથી વધુ ફોલોઅર્સ ધરાવતા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નજર રાખવામાં આવી રહી છે. ઈજિપ્તમાં 10 કરોડથી વધુ જનસંખ્યામાંથી 40% લોકોએ ઇન્ટરનેટ સુધીની પહોંચ મેળવી છે.