ટિફિન સર્વિસનો વ્યવસાય કરતા માયાબેનને ૧ લાખની લોન મળવાથી ધંધો-રોજગાર પુન: ધબકતો થવાની જાગી હામ
લોનના નાણાં મળવાથી અનાજ કરીયાણાની ખરીદી અને ઘર ખર્ચ માટે બનશે મદદરૂપ –માયાબેન પુરોહિત, વડોદરા
વડોદરા તા.૦૮, જુલાઈ,૨૦૨૦ (બુધવાર) વિશ્વવ્યાપી કોરોના માહામારીના પગલે અનેક લોકોના ધંધા-રોજગારને માઠી અસર પહોંચી છે. ખાસ કરીને લોકડાઉન દરમિયાન ગરીબ-મધ્યમ વર્ગનાલોકો આર્થિક રીતે ભીંસમાં મૂકાઈ ગયા હતા. આ સ્થિતિ નિવારવા કેન્દ્-રાજ્ય સરકારે આત્મનિર્ભર ભારત અભિયાન અમલમાં મૂક્યુ હતું. જેનાથી આજે અનેક લોકોને ધંધા-રોજગાર પુન: ધમધમતા થયા છે. ખાસ કરીને નાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને બહુ મોટી રાહત પહોંચી છે. આવા જ એક મહિલા છે માયાબેન પુરોહિત. વડોદરાના ચોખંડી વિસ્તારમાં નિવાસ કરે છે. પતિ કર્મકાંડની પ્રવૃત્તિ અને પોતે ટિફિન સર્વિસ-કેટરીંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
માયાબેન લોકડાઉન દરમિયાન વેઠવી પડેલી મુશ્કેલીઓની વાત કરતા કહે છે કે, લોકડાઉનમાં દરમિયાન ઘમી બધી આર્થિક તકલીફોનો સામનો કરવો પડ્યો. ધંધા-રોજગારની તમામ પ્રવૃત્તિઓ ઠપ્પ થઈ ગઈ. મારા પતિની કર્મકાંડ સંબંધિત કામકાજ અને મારી ટિફિન સર્વિસનો વ્યવસાય સદંતર બંધ થઈ ગયો. આવા સંજોગોમાં ઘર ચલાવવું મુશ્કેલભર્યુ બન્યુ હતુ.
આ કપરી પરિસ્થિત બાદ રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર થયાનું જાણકારીમાં આવ્યું. જેથી અમારી નજીકના છત્રપતિ શિવાજી સહકારી મંડળીમાં લોન માટે ફોર્મ મેળવી, અરજી કરી અને ગણતરીના દિવસોમાં લોન અમને પ્રાપ્ત થઈ. ત્યારે આ નાણાં મળવાથી અમે પુન: ટિફિન સર્વિસનો વ્યવસાય શરૂ કરી શકીશુ ઉપરાંત ઘર ખર્ચમાં પણ આ નાણાં ખૂબ મદદરૂપ બનશે.
માયાબેન આગળ વાત કરતા કહે છે કે, આ રૂા.૧ લાખની લોનના નાણાં ટિફિન-કેટરીંગ સર્વિસ માટે જરૂરી અનાજ કરિયાણા, મરી-મસાલા સહિતની વસ્તુઓ ખરીદી ઉપયોગી થશે. આ સાથે તેમણે પુન: ધંધો-રોજગાર મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને રાજ્ય સરકારનો આભાર પ્રગટ કર્યો હતો.