ટિ્વટરે મંત્રી રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ કલાક માટે બ્લોક કર્યું
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર સાથે સોશિયલ મીડિયા માટે નવા નિયમોને લઇને મતભેદ વચ્ચે ટિ્વટરે આઇટી મિનિસ્ટર રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું. આઇટી મિનિસ્ટર રવિશંકર પ્રસાદે પોતે આ અંગે જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, તે લગભગ એક કલાકથી પોતાના એકાઉન્ટને એક્સેસ કરી શક્યા નહોતા.
તેમણે કહ્યું કે, એક્સેસનો પ્રયાસ કરતાં જણાવવામાં આવ્યું કે તેમના એકાઉન્ટથી અમેરિકાના ડિજિટલ મિલેનિયમ કોપીરાઇટ એક્ટનું ઉલ્લંઘન થયું છે. જાે કે, એક કલાક બાદ એકાઉન્ટ ચાલુ થઇ ગયું. આઇટી મંત્રીએ પોતાનું એકાઉન્ટ બ્લોક કરવાને લઇને કહ્યું કે, સોશિયલ મીડિયા કંપનીએ આઇટી રુલ્સના નિયમ ૪(૮)નું ઉલ્લંઘન કર્યું છે.
તેમણે કહ્યું કે, મારા ટિ્વટર એકાઉન્ટને બ્લોક કરતાં પહેલાં કોઇપણ પ્રકારની જાણકારી આપવામાં નિષ્ફળ રહ્યાં અને આ નિયમનું ઉલ્લંઘન છે. રવિશંકર પ્રસાદે એકાઉન્ટર બ્લોક કરાયું ત્યારનું અને ફરી એક્સેસ મળ્યાં બાદનું સ્ક્રીનશોટ શેર કર્યું છે. એકાઉન્ટ ચાલુ થયા બાદ પણ ટિ્વટર તરફથી રવિશંકર પ્રસાદને ચેતવણી આપવામાં આવી છે કે, જાે ભવિષ્યમાં તેમના એકાઉન્ટ વિરુદ્ધ કોઇ બીજી નોટિસ મળશે તો તેમનું એકાઉન્ટ ફરીથી બ્લોક થઇ શકે છે અથવા પછી સસ્પેન્ડ કરાઇ શકે છે.