ટીએમસી સાંસદે આઇટી મંત્રીના હાથમાંથી કાગળ છીનવી ફાડી નાખ્યા

નવીદિલ્હી: ઇઝરાયલી સોફ્ટવેર પેગાસસથી કથિત રીતે ૩૦૦ ભારતીયોની જાસૂસીના આરોપોને લઈને ગુરૂવારે પણ સંસદમાં જાેરદાર હંગામો થયો હતો આજે ગુરૂવારે જ્યારે આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ આ મામલા પર બોલવા ઉભા થયા તો ટીએમસીના સાંસદોએ હંગામો શરૂ કરી દીધો હતો. આ દરમિયાન તેમણે કાગળો ફાડી આસન તરફ ફેંક્યા હતા. ટીએમસી સાંસદ શાંતનુ સેને તો મંત્રીના હાથમાંથી કાગળ છીનવી ફાડી નાખ્યા હતા. આ વચ્ચે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.
ફરી જયારે કાર્યવાહી શરૂ થઇ ત્યારે પણ સતત હંગામો ચાલુ રહ્યો હતો. ભાજપ અને ટીએમસી સાંસદો વચ્ચે મામલો ગરમાયો હતો. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને સેન વચ્ચે જાેરદાર ડીબેટ જાેવા મળી હતી. હોબાળો એટલો વધી ગયો કે માર્સલોએ હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી. હંગામાને કારણે વૈષ્ણવ પોતાનું નિવેદન યોગ્ય રીતે વાંચી શક્યા નહીં. તેમણે ત્યારબાદ ગૃહના પટલ પર નિવેદન રાખવુ પડ્યુ. બે વખત સ્થગિત બાદ બપોરે ૨ કલાકે જ્યારે કાર્યવાહી શરૂ થઈ તો ઉપાધ્યશ્ર હરિવંશે નિવેદન આપવા માટે વૈષ્ણવનું નામ લીધુ હતું. આ દરમિયાન વિપક્ષી સાંસદોએ હોબાળો શરૂ કરી દીધો હતો. વૈષ્ણવે નિવેદનની શરૂઆત કરી તો હોબાળો વધી ગયો.