ટીકટોક વિડીયો બનાવતાં અટકાવતાં ત્રણ શખ્સોએ સિક્યુરીટી ગાર્ડ પર હુમલો કર્યાે
વટવા જીઆઈડીસીમાં આવેલાં સોલીડ વેસ્ટ સાઈટ પર બની રહેલાં ગાર્ડનની ઘટના
અમદાવાદ: વટવા વિનોબા ભાવે નગરમાં આવેલો સોલીડ વેસ્ટ સાઈટ પર હાલમાં કોર્પાેરેશન દ્વારા બગીચો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેથી ત્યાં સિક્યુરીટી ગાર્ડ ગોઠવવામાં આવ્યાં છે. ગઈકાલે ટીકટોક બનાવવા માટે ગાર્ડનમાં ઘૂસેલાં ત્રણ સ્થાનિક યુવાનોને અટકાવતાં તેમણે સિક્યુરીટી ગાર્ડ પર લાકડીઓ વડે હુમલો કર્યાે હતો. બાદમાં ફરાર થઈ જતાં પોલીસ ફરિયાદ થઈ છે.
વટવા જીઆઈડીસી પેરેડાઈઝ પ્લાઝાની પાછળ આવેલાં ધી ગ્રીન એન્વાયરમેન્ટ કો.ઓપ.સોસાયટી નામે સોલીડ વેસ્ટની સાઈટ પર ગાર્ડન બનાવવાની કામગીરી ચાલુ છે. જેનાં પગલે ત્યાં સિક્યુરીટી રાખવામાં આવી છે અને તેમાં કોઈને પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. બે દિવસ અગાઉ બપોરે સિક્યુરીટી ગાર્ડ ભીખાભાઈ ગાર્ડનમાં ફરજ બજાવતાં હતા
ત્યારે ત્રણ શખ્સો ભાવેશ સોલંકી, સચીન તાવડે અને મયુર નેપાલી (ત્રણેય રહે.વિનોબાભાવે નગર) દિવાલ કૂદીને અંદર ઘૂસી આવ્યા હતા અને ટીકટોકનાં વિડીયો બનાવવા લાગતાં ભીખાભાઈએ તેમને અટકાવ્યા હતાં. અને બહાર નીકળવાનું કહેતાં ત્રણેયે પોતાની સાથે લાવેલી લાકડીઓ વડે તેમનાં ઉપર હુમલો કરી દીધો હતો. જેનાં પગલે તે ઘાયલ થઈ ગયા હતા. બુમાબુમ થતાં ત્રણેય શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જ્યારે હાજર અન્ય સ્ટાફ તેમને લઇ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. બાદમાં મહેન્દ્રસિંહ ઝાલા નામનાં અન્ય સિક્યુરીટી ગાર્ડે ત્રણેય વિરૂદ્ધ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.