ટીમ ઇન્ડિયાએ ટેસ્ટ ક્રિકેટમાં નવો ઇતિહાસ લખ્યો
કોલકાતા, ભારતે બાંગ્લાદેશને કોલકાતા ટેસ્ટમાં અઢી દિવસની અંદર જ હાર આપીને ટેસ્ટ શ્રેણી પર ૨-૦થી કબજો કરી લીધો છે. બંને દેશની પ્રથમ પિંક બાલ ટેસ્ટમાં ભારતના ફાસ્ટ બોલરોએ બાંગ્લાદેશની ઇનિંગને ત્રીજા દિવસે પ્રથમ કલાકમાં જ સમાપ્ત કરી દીધી હતી. બાંગ્લાદેશે બીજી ઇનિંગમાં ૧૯૫ રન બનાવ્યા હતા. ભારતે આ ટેસ્ટ મેચ એક ઇનિંગ અને ૪૬ રનથી જીતી લીધી હતી.કોલકાતા ટેસ્ટ જીતવાની સાથે જ ભારતે એવું પરાક્રમ કરી બતાવ્યું છે, જે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલા ક્યારેય નથી થયું.
ભારતે સતત ચોથી વખતે ટેસ્ટ મેચમાં એક ઇનિંગના તફાવતથી જીત મેળવી છે. ટેસ્ટ ક્રિકેટના ૧૪૨ વર્ષના ઇતિહાસમાં આજ દિવસ સુધી કોઈ ટીમ આવું કરી શકી નથી. ભારતને બાંગ્લાદેશને સતત બીજી ટેસ્ટમાં એક ઇનિંગથી હાર આપી છે. આ પહેલા ભારતે દક્ષિણ આફ્રિકાને સતત બે ટેસ્ટ મેચમાં એક ઇનિંગથી હાર આપી હતી. જ્યારે ભારતે સતત સાતમી ટેસ્ટ મેચ જીતી છે, જે ટીમનું આ ફોર્મેટમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. કોલકાતા ટેસ્ટમાં ભારતને તમામ વિકેટ ફાસ્ટ બોલરોએ અપાવી હતી. આ ટેસ્ટમાં બાંગ્લાદેશની ૧૯ વિકેટ પડી હતી, કારણ કે મહમુદુલ્લાહ ઈજાગ્રસ્ત થવાથી રિટાયર્ડ હર્ટ થયો હોવાથી રમી શક્યો ન હતો. ભારતમાં પ્રથમ વખત એવું બન્યું જ્યારે ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલરોએ એક ટેસ્ટમાં સૌથી વધારે વિકેટ ઝડપી હોય. આ પહેલા ૨૦૧૭માં ભારતના ફાસ્ટ બોલરોએ શ્રીલંકા વિરુદ્ધ ૧૭ વિકેટ ઝડપી હતી. કોલકાતા ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ ફક્ત સાત ઓવર બોલિંગ કરી હતી, જે ભારતના ફાસ્ટ બોલરોનો દબદબો બતાવે છે.