ટીવી અભિનેતા સંજય ગાંધી ૧૦ મહિનાથી ઘરે બેઠો છે
મુંબઈ: કોરોના વાયરસની આ મહામારીની ફિલ્મ અને ટીવીની મનોરંજનની દુનિયા સાથે જાેડાયેલા લોકો પર ગંભીર અસર પડી છે. કામ નહીં હોવાના કારણે તેઓની કમાણી પર અસર પડી છે. કોરોનાકાળમાં મનોરંજનની દુનિયાના ઘણાં સીનિયર એક્ટર્સ ઘરે કામ વિના બેઠા છે અને તેઓ રાહ જાેઈ રહ્યા છે કે સ્થિતિ ક્યારે સામાન્ય થાય અને કામ પર પાછા ફરીએ. ટીવી શૉ યે રિશ્તા ક્યા કહલાતા હે’ના એક્ટર સંજય ગાંધી હાલ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. તેઓની પાસે કામ અને પૈસા એમ બંને નથી. તેઓ કામની શોધમાં ભટકી રહ્યા છે.
હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં એક્ટર સંજય ગાંધીએ કોરોનાની આ મહામારીમાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. એક્ટર સંજય ગાંધીએ જણાવ્યું કે ઘણાં સારા એક્ટર્સ ઘરે બેઠા અને બેરોજગાર છે. કામની ભારે અછત છે અને જે રોલ મળી રહ્યા છે તે માટે ખૂબ ઓછા પૈસા આપવામાં આવી રહ્યા છે. હવે માત્ર એવી આશા છે કે એક દિવસ પરિસ્થિતિ સુધરી જશે.
એક્ટર સંજય ગાંધીએ વધુમાં જણાવ્યું કે, કોરોનાના કારણે લોકોના મોતના સમાચાર સાંભળીને ખૂબ દુઃખ થઈ રહ્યું છે. હું લોકોની મદદ કરવા માગુ છું પણ મજબૂર છું. હું પૈસાવાળો નથી અને હાલ આર્થિક સ્થિતિ પણ ઠીક નથી. કારણકે મેં જુલાઈ ૨૦૨૦માં ‘નાગિન ૪’ બાદ એક્ટિંગ નથી કરી. ‘નાગિન ૪’ મારી છેલ્લી સિરીયલ હતી. હું ભાડાના ઘરમાં રહું છું, મહિનાના ખર્ચા છે. અત્યારે કામ નથી, પૈસા નથી, ભવિષ્યનો કોઈ પ્લાન નથી. કોરોનાની આ મહામારીમાં એક્ટર સંજય ગાંધી ઘણાં સમયથી મિત્રોને મળી શક્યા નથી. તેમણે કહ્યું કે ‘પણ, કામ માટે તો બહાર જવું પડશે. જે ખતરનાક છે, પણ શું કરીએ?’