ટી૨૦ ટીમનું નેતૃત્વ સંભાળવા માટે રશિદખાને કરેલો ઈનકાર
અબુ ધાબી: અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર રાશિદ ખાને નેશનલ ટી૨૦ ટીમનું સુકાની પદ સંભાળવાનો ઈન્કાર કરી દીધો છે. રાશિદ ખાને જણાવ્યું કે તેને લાગે છે કે જાે તે સુકાની પદ સંભાળશે તો તેનાથી તેની રમત પર અસર પડી શકે છે. રાશિદના મતે ટીમ માટે તેનું પ્રદર્શન વધુ મહત્વ ધરાવે છે. અફઘાનિસ્તાને ગત સપ્તાહે તેની ટીમના કેપ્ટનોમાં ફેરબદલ કર્યો છે.
ટેસ્ટ અને વન-ડે ટીમના કેપ્ટન તરીકે હમશમાતુલ્લાહ શાહિદીની વરણી કરવામાં આવી છે. અફઘાનિસ્તાને હજુ સુધી ટી૨૦ ટીમના કેપ્ટનના નામની જાહેરાત નથી કરી. રાશિદ ખાને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે મારો દ્રષ્ટિકોણ સ્પષ્ટ છે. હું એક ખેલાડી તરીકે વધુ શ્રેષ્ઠ પ્રદર્શન કરું છું. હું વાઈસ કેપ્ટનની ભૂમિકામાં યોગ્ય છું અને જ્યારે પણ જરૂર પડે છે ત્યારે કેપ્ટનની મદદ કરું છું. હું સુકાનીના પદથી દૂર રહું તે જ વધુ સારું રહેશે. કેપ્ટનને બદલે એક ખેલાડી તરીકે મારું શ્રેષ્ઠ પ્રદર્શન કરું તે ટીમ માટે વધારે મહત્વ રાખે છે.
હવે ટી૨૦ વર્લ્ડ કપ નજીકના સમયમાં જ યોજાનાર છે ત્યારે રાશિદે જણાવ્યું કે તે ખેલાડી તરીકે જ વધુ ધ્યાન આપવા માંગે છે. થોડા મહિનાઓમાં જ વર્લ્ડ કપ યોજાશે અને સુકાની તરીકે તેને વધુ સમય લાગી શકે છે માટે તે તેના પ્રદર્શન પર જ ધ્યાન કેન્દ્રિત કરશે. હું એક ખેલાડી તરીકે ખુશ છે, બોર્ડ અને પસંદગીકારો જે પણ ર્નિણય કરશે તેમાં હું સંપૂર્ણ સહયોગ આપીશ.