Western Times News

Gujarati News

ટી.બી મુક્ત ગુજરાત ૨૦૨૨ ના લક્ષ્યાંકને સિધ્ધ કરવા ભરૂચ ખાતે અધિવેશન યોજાયુ

ભરૂચ: રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ (NTEP) અંતર્ગત આરોગ્ય શાખા,જિલ્લા પંચાયત- ભરૂચ અને જિલ્લા ક્ષય કેન્દ્ર- ભરૂચના સંયુકત ઉપક્રમે ભરૂચ કલેકટર કચેરીના સભાખંડમાં પદાધિકારીઓનું ટીબી અધિવેશન રાખવામાં આવ્યું હતું.અધિવેશનનો પ્રારંભ દિપ પ્રાગટય થી થયા બાદ અધ્યક્ષ સ્થાને થી નગર પાલિકા ના પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ ટી.બી મુકત ગુજરાત ૨૦૨૨ લક્ષ્યાંકને સિધ્ધ કરવા જનજાગૃતિ અભિયાન ખૂબ જ જરૂરી હોવાનું જણાવી અમારા ધ્વારા પૂરતો સાથ સહકાર મળી રહેશે તેવી ખાત્રી આપી હતી.

તેમણે ભરૂચ શહેરમાં વોર્ડ વાઈઝ કેમ્પનું આયોજન થાય તેના પર ભાર મુકી લક્ષ્યાંક સિધ્ધ કરવા હાલમાં જનસમુદાય માં મળી આવતા ટીબીના શંકાસ્પદ દર્દીઓની સારવાર નિયમોનુસાર,સમય મર્યાદામાં પૂર્ણ થાય અને સરકાર દ્વારા મળતા તમામ લાભ અપાય તે અંગે સુનિશ્ચિત કરવા કટિબધ્ધતા વ્યકત કરી હતી.

નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલે ટીબી મુકત ગુજરાત-૨૦૨૨ના લક્ષ્યાંકને સિધ્ધ કરવા બધાને સાથે રાખીને કામગીરી કરવા ટીબી વિભાગને અનુરોધ કર્યો હતો.જિલ્લા ક્ષય અધિકારી ડો.મુનીરાએ સુધારેલ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમની માહિતી આપતા ક્ષય રોગ શું છે, ટીબીનો ચેપી રોગ કેવી રીતે લાગુ પડે છે, ક્ષયરોગનું ભારણ, રોગના પ્રમાણ અને મૃત્યુની તુલના,NCP ટીબી નાબુદીની વ્યુહરચના અંગેની માહિતી, ડોટસ જેમાં રાજકીય અને વહીવટીય વચનબધ્ધતા,ગળફાની તપાસથી થતું ચોકકસ નિદાન, પધ્ધતિસરથી દેખરેખ અને દરેક દર્દીની જવાબદારી, સીધા નિરીક્ષણ હેઠળની સારવાર, ઉચ્ચ ગુણવત્તાવાળી પુરા કોર્ષની દવાઓ જેવી બાબતો તથા ક્ષય રોગ હોવાનું અનુમાન કયારે કરશો, ટીબી કોને થઇ શકે છે,

ટીબી રોગનું વર્ગીકરણ, ટીબીનું નિદાન અને સારવાર, ચાર દવાઓનું સંયોજન, અને સરકાર ધ્વારા પોષણ સહાય અંગેના પ્રેઝન્ટેશનના માધ્યમથી વિસ્તૃત સમજ આપી હતી. પ્રારંભે ઈન્ચાર્જ જીલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલભાઈ વસાવાએ સ્વાગત પ્રવચનમાં વર્ષ ૨૦૨૨ સુધીમાં ગુજરાતને ટીબી મુકત કરવાનો રાજય સરકારનો ધ્યેય છે અને તે માટે સામાજિક લોકભાગીદારી ખૂબ જ અગત્યની હોવાનું જણાવ્યું હતું.
અધિવેશન બેઠકનું સંચાલન જિલ્લા રકતપિત અધિકારી ડો.હીનાબેને કર્યું હતું. અંતમાં આભારવિધિ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.દુલેરાએ કરી હતી. અધિવેશન બેઠકમાં જિલ્લા પંચાયતના સભ્ય વલ્લભભાઈ પટેલ,નગર પાલિકાના સદસ્યો,પદાધિકારીઓ, તાલુકા મેડીકલ ઓફીસરો અને આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.