ટી-૧૦ લીગમાં પુરુષો સાથે રમી આ ભારતીય મહિલા ક્રિકેટરે રચ્યો ઈતિહાસ
નવી દિલ્હી: મહિલાઓ જમીનથી લઈ અંતરિક્ષ સુધી પુરુષોનો મુકાબલો કરી રહી છે. બિઝનેસ હોય, આર્મી હોય કે એરલાઈન્સ-દરેક ક્ષેત્રમાં મહિલાઓ ટોચના સ્થાને પહોંચી છે. રમતજગતમાં પણ મિતાલી રાજ, હરમનપ્રીત કૌર અને ઝૂલન ગોસ્વામી જેવી મહિલા ક્રિકેટરોએ ઈતિહાસ રચ્યો છે. તાજેતરમાં જ એક મહિલા ક્રિકેટરે કોરોના મહામારી વચ્ચે ઈતિહાસ રચ્યો છે. ભારતીય મહિલા ક્રિકેટર શરાન્યા સદારંગાનીએ પોતાનુ નામ ઈતિહાસના પન્નાઓ પર અમર કરી દીધું છે.
શરાન્યા ઈસીએસ (યુરોપિયન ક્રિકેટ સિરીઝ) લીગમાં રમનારી પ્રથમ મહિલા બની ગઈ છે. સદારંગાની કેએસવી ક્રિકેટ ક્લબ તરફથી પીએસપી સામેની મેચમાં મેદાનમાં ઊતરી. જાકે તેનું પ્રદર્શન બહુ ખાસ રહ્યું નહોતું. કેએસવીનો આ મેચમાં પાંચ વિકેટે પરાજય થયો. મેચમાં શરાન્યાની ટીમ આઠ ઓવરમાં નવ વિકેટે ૫૩ રન જ બનાવી શકી હતી. કેએસવી તરફથી શરાન્યા અંતિમ નંબર પર બેટિંગ કરવા મેદાનમાં ઊતરી અને રનઆઉટ થઈ ગઈ હતી, જાકે કેએસવી તરફથી શરાન્યાએ શાનદાર વિકેટકીપિંગ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ લીગમાં જેન્ડર મહ¥વની નથી, પરંતુ શરાન્યાએ પુરુષોની ટીમમાં રમીને ઈતિહાસ રચી દીધો. ભલે તે ખુદ નોંધનીય પ્રદર્શન ના કરી શકી, પરંતુ તેણે પોતાના દમ પર આ લીગમાં સ્થાન મેળવ્યું. શરાન્યા ૨૦૧૨માં વેદા કૃષ્ણમૂર્તિ સાથે કર્ણાટક અંડર-૧૯ ટીમનો હિસ્સો પણ રહી ચૂકી છે. ડીસીબીના સીઈઓ બ્રાયન મેન્ટલે કહ્યું, ”શરાન્યા શાનદાર ખેલાડી છે. તે જર્મનીમાં મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા સતત યોગદાન આપી રહી છે.”