ટી-૨૦માં કોહલી ‘વિરાટ રેકોર્ડ’ની નજીક : ૧૦ હજાર રન પુરા કરવા ૨૬૯ રન દુર
મુંબઇ: ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ટી-૨૦ ક્રિકેટમાં એક વિરાટ રેકોર્ડ નજીક છે જે પ્રકારનો રેકોર્ડ આજ સુધી કોઇ ભારતીય ક્રિકેટર નથી બનાવી શક્યો.આઇપીએલ ૨૦૨૧માં વિરાટ કોહલી ૧૦,૦૦૦ રન પૂરા કરશે. હવે આ રેકોર્ડ બનાવવામાં માત્ર ૨૬૯ રન જ બાકી છે અને આજ સુધી કોઇ ભારતીય ખેલાડી આ રેકોર્ડ બનાવી શક્યો નથી.
આખી દુનિયામાં માત્ર ૩ ખેલાડી જ એવા છે જે આ રોકોર્ડ બનાવી શક્યા છે. સૌથી પહેલા વેસ્ટઇન્ડિઝનો વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ છે કે જેણે ૧૩૭૨૦ રન બનાવ્યા છે. જેમાં ૨૨ શતક અને ૮૬ અર્ધશતક છે. ગેલ બાદ કીરોન પોલાર્ડનું નામ આવે છે. તેણે ૧૦૬૨૯ રન બનાવ્યા હતા. ત્રીજા નંબર પર પાકિસ્તાનના શોએબ મલિક છે. જેણે ૧૦૪૮૮ રન સાથે ત્રીજા નંબર પર આવે છે.
વિરાટ કોહલીના નામે હાલ ટી-૨૦ ક્રિકેટમાં ૯૭૩૧ રન છે. આ સિવાય મુંબઇના કેપ્ટન રોહિત શર્માએ ૯૦૬૫ રન બનાવ્યા છે. હવે વિરાટ કોહલી આ રેકોર્ડ કેટલી મેચમાં બનાવી શકે છે તે જાેવુ રહ્યું.
ભારતીય સુકાની વિરાટ કોહલીએ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝની પહેલી જ મેચમાં મંગળવારે પોતાની ૬૧મી ફિફ્ટી ફટકારી હતી, જે તેના ટી ૨૦ના ફોર્મમાં હોવાની સાબિતી આપે છે.
કોહલીએ ૫૦ બોલમાં પોતાનું અર્ધશતક લગાવ્યું હતું, જેમાં છ બાઉન્ડ્રી ફટકારી હતી, જે આ ફોર્મેટમાં તેના બેટથી નીકળેલી ૬૧ મી ફિફ્ટી અને ૧૦૪મી વાર પચાસ પ્લસનો સ્કોર છે, અને આ વખતે તેણે દક્ષિણ આફ્રિકાના મહાન ક્રિકેટર જેક કાલિસ જેણે ૩૨૮ મેચમાં ૧૦૩ વાર ફિફ્ટી પ્લસનો સ્કોર બનાવ્યો હતોનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
આ ફોર્મેટમાં હવે માત્ર સચિન તેંડુલકર ૧૪૫ ફિફ્ટી પ્લસ સ્કોર, કુમાર સંગાકારા ૧૧૮ વાર ફિફ્ટી પ્લસ સ્કોર અને રિકી પોન્ટિંગના ૧૧૨ ફિફ્ટી પ્લસ સ્કોર જ હવે કોહલીની આગળ છે, નોંધનીય છે કે આ બધાની પછી કોહલી આ લિસ્ટમાં ચોથા ક્રમે છે અને તેનાથી આગળના ત્રણેય ક્રિકેટરો નિવૃત્ત થઈ ચૂક્યા છે, જ્યારે કે કોહલી હજુ તેની કારકિર્દીમાં આગળ વધી રહ્યો છે.
આ ફિફ્ટી, કોહલીની ક્રિકેટના બધા જ ફોર્મેટમાંની ઈંગ્લેન્ડ સામે ફટકારાયેલી કુલ ૨૭મી ફિફ્ટી છે, હવે શ્રેણીમાં પણ સચિન તેંડુલકર જ તેનાથી આગળ છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ તેના ૧૨ વનડે ફિફ્ટી પ્લસ સ્કોર સાથે આ યાદીમાં અગ્રેસર રહેલ સચિન પછી કોહલી ૧૧ ફિફ્ટી પ્લસની સાથે રાહુલ દ્રવિડની સાથે છે.