‘‘ટૂંકુ ને ટચ’’ પુસ્તકનું મુખ્યમંત્રીએ વિમોચન કર્યુ
– મુખ્યમંત્રીશ્રી –
- ટૂંકુ ને ટચ એ હ્દયના ઉંડાણમાંથી નીકળેલા ભાવને શબ્દનું રૂપ આપવાનો પ્રયાસ છે
- સ્વસ્થ મન અને સંવેદનશીલતા હોય ત્યારે સાહિત્યનું સર્જન થાય છે
- નાના એવા સ્પાર્કથી કોઇનું જીવન બદલાય તે સાચું સાહિત્ય સર્જન છે
- સરકારમાં કાર્ય કરતાં કરતાં સાહિત્ય સર્જન કરવું કઠિન હોય છે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, જ્યારે મન સ્વસ્થ અને હ્દયમાં સંવેદનશીલતા હોય ત્યારે જ સાહિત્ય સર્જન થતું હોય છે. માહિતી ખાતાના અધિકારી અને ‘‘ ટૂંકુ ને ટચ ’’ પુસ્તકના લેખક શ્રી પુલક ત્રિવેદીએ સરકારી સેવા સાથે સાહિત્યનું સર્જન કર્યું છે. તેમનો હ્દયના ઉંડાણમાંથી નીકળેલા ભાવને શબ્દનું રૂપ આપવાનો પ્રયાસ અભિનંદનને પાત્ર છે તેમ પુસ્તકનું વિમોચન કરતાં તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, અમારી સરકાર પણ સાહિત્ય સર્જનમાં જેવી સંવેદનશીલતા જોઇએ તેવી જ સંવેદનશીલતાથી છેવાડાના માનવીનો ઉત્કર્ષ થાય તે માટે કાર્યરત છે. લોકમિજાજ, જનતા જનાર્દનની આશા-અપેક્ષાની પૂર્તિ કરી નિર્ણાયકતા, પારદર્શકતાથી કાર્ય કરે છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સરકારી નોકરી કરતાં કરતાં પોતાની લાગણી-મનોભાવ સાહિત્યરૂપે ઉતારવા કઠિન છે ત્યારે શ્રી પુલકભાઇએ કઠોર પરિશ્રમ દ્વારા તે શક્ય બનાવ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, કોઇ એક નાના એવા સ્પાર્કથી કોઇનું જીવન બદલાય તે સાચું સાહિત્યસર્જન છે. સાહિત્ય અમર એટલા માટે છે કે તેમાં રહેલું સત્વ મોટું પરિવર્તન લાવવા નિમિત બને છે અને લોકોને નવી દિશા ચિંધનારું બની રહે છે. તેમણે વધુમાં કહ્યું કે, સંવેદના જાગૃત થાય તો જ સર્જન થતું હોય છે. સંવેદના બુઠ્ઠી હોય તો કોઇની વેદના સમજાય નહીં અને કોઇની વેદના-સંવેદના ન સમજાય તો સાહિત્ય સર્જન થઇ શકે નહીં. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે શ્રી પુલક ત્રિવેદીના બ્લોગનું પણ ડિજિટલ લોકાર્પણ કર્યું હતું.
જાણીતા કટાર લેખક શ્રી જય વસાવડાએ વક્તવ્યમાં જણાવ્યું કે, આજકાલ વાચકો કરતાં લેખકો વધી ગયા છે ત્યારે સાંપ્રત હોવું તે આજે મોટી સમસ્યા છે. માણસને પછડાટ પછી બેઠા થવાનો ઉજાસ આ પુસ્તકમાં રેલાય છે. નગર તેના સર્જકોથી ઓળખાય, તેના જીવંત નાગરિકોથી ઓળખાય તે નગરની સાર્થકતા છે.
સરકારમાં રહીને સાહિત્ય સર્જન કરવું અને તેમાં પણ અસરકારક સાહિત્ય સર્જન કરવું છે. લેખની પ્રાસંગિકતા કરતાં પ્રસાદિકતા ખૂબ જ અગત્યની હોય છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
પુસ્તક અને પસ્તી વચ્ચેનો તફાવત એ છે કે, પુસ્તકમાં વિચાર અને લાગણીનું સામંજસ્ય જળવાય તે પુસ્તક બની રહે છે બાકી પસ્તી બની રહે છે તેમ તેમણે સાહિત્યની વિવેચના કરતાં જણાવ્યું હતું. જાણીતા કટારલેખક શ્રી ભવેનકચ્છીએ જણાવ્યું કે, લાંબુ લખવું સહેલું છે પરંતુ ટુંકું લખવું અઘરું છે. શ્રી પુલકભાઇએ આવું ટુકું લખાણ સફળતાપૂર્વક લખીને પુસ્તકના સ્વરૂપે આપ્યું છે તેનો આનંદ વ્યક્ત કરતાં કહ્યું કે, ઓડકાર આવી જાય તેવું લાંબુ લખાણ નહીં પરંતુ ડાયેટીંગ થાય તેવું ટુંકું લખાણ લખાય તે સમયની માંગ છે.
માહિતી વિસ્ફોટના જમાનામાં બધી માહિતી મળી જશે પરંતુ આજે પોતાની જાતને શોધવાની જરૂર છે. વધુ આગળ જતાં માનવજાત રોબટ આધારિત બની જશે તે કાળ કેટલો વિપરિત હશે તેના ભય સ્થાનો વિશે વાત કરી આપણી સહનશક્તિ તળીયે જઇ રહી છે ત્યારે આ પુસ્તકનો આત્મનાદ વાચકને પોતાની સંવેદના ઢંઢોળવા ઉપયુક્ત બની રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ગાંધીનગર સમાચારના શ્રી કૃષ્ણકાંત જ્હાએ જણાવ્યું કે, પુસ્તક અને પ્રેમનું પ્રગટ થવું સ્વયં એક ઉત્સવ હોય છે. ગાંધીનગર એ સંસ્કારનું ધામ છે અને ત્યાંથી આ પુસ્તકનું પ્રાગટ્યીકરણ થયું છે તેનાથી ગાંધીનગર વધુ સમૃધ્ધ અને શ્રીમંત બન્યું છે.
તેમણે કહ્યું કે, ગાંધીનગર સમાચારમાં પ્રગટ થયેલાં લેખમાંથી ૫૯ પુસ્તકો પ્રગટ થયાં છે અને આજે આ ૬૦મું પુસ્તક પ્રગટ થયું છે તેનો આનંદ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, પુસ્તકમાં એવું છપાય કે , નિરાશ માનવના મનમંદિરમાં ઝાલર વાગે એ પુસ્તકની ખરી સાર્થકતા છે. શ્રી પુલક ત્રિવેદીની કોલમ આત્મનાદ એ નિરાશ લોકોમાં આશાના સંચાર કરનારી બની રહી છે તેનો હરખ તેમણે વ્યક્ત કર્યો છે.
પુસ્તકના લેખક શ્રી પુલકભાઇ ત્રિવેદીએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું કે, મારા માટે આજે રૂડો અવસર છે. કારણ કે મારા પ્રથમ પુસ્તકને વિમોચિત કરવા માટે મુખ્યમંત્રીશ્રી સ્વયં ઉપસ્થિત રહ્યા છે. મેં મારા પુસ્તકમાં જિંદગીની જિંદાદીલીને ઢાળવાનો પ્રયત્ન કર્યો છે. કોઇ એક વિચાર કોઇની વેદનાને સમાવે અને જિંદગીને સ્પાર્ક કરાવે તેવા હેતુથી આ પુસ્તકનું સર્જન કર્યું છે. પુસ્તકના પ્રકાશક નવભારત સાહિત્ય મંદિર – જે.પી.ગ્રુપના વિરેન્દ્રભાઇ શાહે પ્રકાશન ગૃહ તરફથી પુસ્તક પ્રકાશનની લાગણી અભિવ્યક્ત કરી હતી.
આ પુસ્તકના વિમોચન પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વીનીકુમાર, માહિતી નિયામક શ્રી એ.વી.કાલરિયા, અધિક માહિતી નિયામક શ્રી અરવિંદભાઇ પટેલ, વરિષ્ઠ અધિકારીશ્રીઓ, લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારો, પત્રકારશ્રીઓ તથા સાહિત્યપ્રેમી નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.