ટૂંક સમયમાં નવો કાયદો લાગુ થશે: ટ્રાફ્રિકને અડચણરૂપ ગાડીનો ફોટો મોકલનારને ૫૦૦ રૂપિયા ઈનામ
નવી દિલ્હી, દેશમાં વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો હવે ઘરદીઠના બદલે વ્યક્તિદીઠ વાહનો વસાવવા લાગ્યા છે. આ કારણે પાર્કિંગની સમસ્યામાં પણ ઉછાળો જાેવા મળી રહ્યો છે. ઉપરાંત લોકો નજીકના કામો માટે પણ વાહનોનો ઉપયોગ કરવા લાગ્યા છે જેથી પ્રદૂષણ, રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યાની સાથે જ આ વાહનો પાર્ક કરવાની સમસ્યા પણ જાેવા મળી રહી છે.
ત્યારે કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ ટૂંક સમયમાં લાગુ થનારા એક નવા કાયદાનો ઉલ્લેખ કર્યો છે જે પાર્કિંગની સમસ્યા સાથે સંબંધ ધરાવે છે. ગડકરીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર એક નવો કાયદો લાગુ કરવા જઈ રહી છે જેમાં ખોટી જગ્યાએ પાર્ક કરવામાં આવેલી ગાડીનો ફોટો મોકલનારી વ્યક્તિને ૫૦૦ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, દરેક જગ્યાએ ગાડીઓ રસ્તા પર પાર્ક કરી દેવામાં આવે છે જેથી ચાલવામાં પણ મુશ્કેલી પડે છે. ખાસ કરીને દિલ્હીમાં આ સમસ્યા વધારે છે.
ગડકરીએ નવા કાયદા અંગેની માહિતી આપતા જણાવ્યું કે, જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ગાડીને રોડ પર ખોટી રીતે પાર્ક કરી દેશે ત્યારે ત્યાંથી પસાર થનારી કે ત્યાં રહેતી કોઈ વ્યક્તિ અડચણરૂપ બનતી તે ગાડીનો ફોટો પોતાના મોબાઈલમાં ક્લિક કરીને મોકલી દેશે. હવે ગાડી પાર્ક કરનારી વ્યક્તિને ૧,૦૦૦ રૂપિયાનો દંડ થશે અને તેમાંથી ૫૦૦ રૂપિયા ફોટો મોકલીને જાણ કરનારી વ્યક્તિને આપવામાં આવશે. આ નવા કાયદાના કારણે પાર્કિંગની સમસ્યાનો ઉકેલ આવશે.
ગડકરીએ ફરિયાદના સૂરમાં કહ્યું હતું કે, લોકો ઘર તો મોટા બનાવી લે છે પરંતુ પાર્કિંગ નથી બનાવતા. આ સાથે જ તેમણે પોતાના ઘરનું ઉદાહરણ આપ્યું કે, નાગપુર ખાતે તેમના ઘરે જે રોટલી બનાવવા આવે છે તેમના પાસે પણ ૨ સેકન્ડ હેન્ડ કાર છે. પહેલા આવું અમેરિકામાં બનતું કે, સફાઈ કરવા આવનારી મહિલા પાસે પણ ગાડી રહેતી. તે જાેઈને આપણને આશ્ચર્ય થતું પરંતુ હવે આપણા ત્યાં પણ આવી સ્થિતિ જાેવા મળી રહી છે.
ગડકરીએ વધુમાં કહ્યું હતું કે, ભારતમાં તો એક પરિવારમાં ૪ સદસ્યો હોય અને ૬ ગાડીઓ હોય તેવું પણ જાેવા મળે છે. આ સાથે જ તેમણે દિલ્હીનું ઉદાહરણ આપ્યું હતું કે, દિલ્હીવાળા તો નસીબદાર છે કારણ કે, રોડ તો અમે જાણે તેમની ગાડીઓ પાર્ક કરવા માટે જ બનાવ્યા છે. કોઈ જ લોકો પાર્કિંગ નથી બનાવતા. સૌ લોકો પોતાની ગાડીને રસ્તા પર જ ઉભી રાખી છે. ગડકરીએ પોતાના ઘરનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, તેમણે પોતાના નાગપુર ખાતેના ઘરે ૧૨ ગાડીઓનું પાર્કિંગ બનાવી રાખ્યું છે. તેઓ પોતે ગાડીને રોડ પર પાર્ક નથી કરતા.SS2KP