ટેકના ભાવે મગફળીની ખરીદી શરૂ થતા ખેડૂતોના હૈયે હાશકારો
મોડાસા કેન્દ્ર પર ૪૦ જેટલા ખેડૂતો પહોંચ્યા, માલપુર નજીક મગફળી ભરેલું ટ્રેકટર પલટ્યું
અરવલ્લી જીલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચાણ માટે ખેડૂતો ઉમટતા અત્યાર સુધી ૯૬ હજાર થી વધુ કવીન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે કમોસમી વરસાદના પગલે ટેકાના ભાવે ખરીદેલ મગફળી પલળી જતા ખરીદ એજન્સીએ મગફળી ખરીદી સ્થગીત કરી દેતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા
ત્યારે ફરીથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે માલપુર ટેકાના ભાવે મગફળી કેન્દ્ર પર ટ્રેકટરમાં મગફળી વેચાણ અર્થે આવી રહેલ ખેડૂતનું ટ્રેકટર પલટી જતા મગફળી રોડ પર ઢગલો થઇ ગયો હતો અન્ય ખેડૂતો તાબડતોડ મદદ માટે પહોંચી ખેડૂતની મગફળી ટેકાના ભાવે ખરીદકેન્દ્ર પર પહોંચાડી હતી
અરવલ્લી જીલ્લામાં દિવાળી પહેલા ખુલ્લા બજારમાં મગફળીના ભાવ પૂરતા પ્રમાણમાં મળી રહેતા ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્ર પર કાગડા ઉડતા હોય તેવી સ્થિતી જોવા મળતી હતી દિવાળી બાદ સ્થિતી બદલાતા ટેકાના ભાવે ખરીદ કેન્દ્રો પર મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી લઈ ઉમટી રહ્યા છે
મોડાસા શહેર નજીક બાજકોટ માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતા ૪૦ થી વધુ ખેડૂતો ટ્રેકટરો લઈ મગફળી વેચાણ માટે પહોંચતા લાંબી કતારો જોવા મળી હતી ખેડૂતો મગફળી વેચાણ બાદ સમયસર ટેકાના ભાવે વેચાણ કરેલ મગફળીના નાણાં ખરીદ એજન્સી ચૂકવે તેવું ઈચ્છી રહ્યા છે