ટેકાના ભાવથી વધારે કિંમતને લીધે મગફળી વેચાણમાં મંદી
રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ ખેડૂતોનો ઝૂકાવ સરકારી ખરીદીની જગ્યાએ ખુલ્લા બજાર તરફ વધુ જોવા મળી રહ્યો છે.
આજે રાજકોટના ચાર સેન્ટર પર ૮૦ ખેડૂતોને પોતાની મગફળી વેચવા માટે બોલાવવામાં આવ્યા હતા પરંતુ ત્રણ તાલુકામાંથી ફક્ત નવ જ ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા માટે આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાની સાથે ખરીદીના સેન્ટરો પર જાણે ખેડૂતોની કીડિયારું ઊભરાયું હોય છે. પરંતુ ચાલુ વર્ષે અહીંયા ખેડૂતોએ મગફળીની ખરીદી મામલે નિરસતા દાખવી છે.
પ્રથમ દિવસે રાજકોટ તાલુકા, પડધરી તાલુકા તેમજ લોધિકા તાલુકાના કુલ ચાર જેટલા સેન્ટર પર ૮૦ જેટલા ખેડૂતોને પોતાની મગફળી લઈને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ પ્રથમ દિવસે ચાર સેન્ટર પર માત્ર નવ ખેડૂતો પોતાની મગફળી વેચવા માટે આવ્યા છે. આ પાછળનું કારણ પણ ખાસ છે.
જે જાણવું મહત્ત્વનું રહેશે. ટેકાના ભાવે ખેડૂતો શા માટે મગફળીનું વેચાણ કરવા માટે રસ નથી દાખવી રહ્યા તે પાછળ ખાસ કારણ જવાબદાર છે. કારણ કે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાની સાથે જ ખુલ્લા બજારમાં મગફળોની ભાવ ટેકાના ભાવ કરતા વધારે બોલાઈ રહ્યો છે. આ જ કારણે ખેડૂતોને ટેકાના ભાવમાં મગફળી વેચવામાં હવે કોઈ રસ નથી રહ્યો.
બીજું કે ટેકાના ભાવે ખરીદી માટે કેટલાક નિયમો પણ છે. જેમાં મગફળી રિજેક્ટ થાય તો ખેડૂતોને નુકસાન જાય છે. આ ઉપરાંત ટેકાના ભાવે મગફળીના વેચાણ બાદ તેની ચૂકવણી પણ મોડી કરવામાં આવે છે. ખેડૂતોને નવા બિયારણની ખરીદી માટે તાત્કાલિક પૈસાની જરૂર રહેતી હોય છે.
આ માટે જ ખેડૂતો ટેકાને બદલે ખુલ્લા બજારમાં મગફળી વેચવાનું પસંદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ૨૦ કિલો મગફળીનો ટેકાનો ભાવ સરકાર તરફથી ૧,૦૫૫ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે.
જ્યારે ખુલ્લા બજારમાં હાલ ખેડૂતોને ૧,૨૦૦થી ૧,૩૦૦ રૂપિયા મળી રહ્યા છે. અત્રે એ પણ નોંધવું રહ્યું છે ખેડૂતો છેલ્લા એક મહિનાથી ખુલ્લા બજારમાં મગફળીનું વેચાણ કરી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી અંદાજિત ૨૮થી ૩૦ લાખ ગુણી મગફળીનું વેચાણ થઈ ચૂક્યું છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થયા પહેલા ખુલ્લા બજારમાં ખૂબ જ ઓછા ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી હતી. ખેડૂતોને પૈસાની જરૂર હોવાથી તેઓ નુકસાન સહન કરીને પણ મગફળીનું વેચાણ કરી રહ્યા હતા.