ટેકાના ભાવે મગફળી વેચવા ખરીદકેન્દ્ર ઉપર ખેડૂતોની કતારો લાગી
ભિલોડા: અરવલ્લી જિલ્લાના 7 કેન્દ્રો ઉપર થી હાલ ટેકાના ભાવે મગફળી ખરીદી નાફેડ દ્વારા કરાઈ રહી છે.30 મી જાન્યુઆરી સુધી કરવામાં આવનાર આ ખરીદીને લઈ હવે રજીસ્ટ્રેશન કરાયેલા ખેડૂતો પોતાની મગફળીનો જથ્થો ટેકાના ભાવે વેચવા ખરીદ કેન્દ્રો ઉપર ઉમટી રહયા છે.મોડાસા ખાતેના ખરીદ કેન્દ્ર ઉપર ગુરુવારે બે દિવસની રજા પછી શરુ થયેલી મગફળીની ખરીદીમાં સતત બીજા દિવસે ખેડૂતોના વાહનોની કતારો જોવા મળી હતી.
અને આ દિવસે જિલ્લાના 7 કેન્દ્રો ઉપરથી 1799 કવીન્ટલ મગફળીની ખરીદી કરાઈ હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું હતું.ચાલુ વર્ષે રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાની જવાબદારી નાફેડને અપાઈ છે.પુરવઠા નિગમ દ્વારા અરવલ્લી જિલ્લામાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદાઈ રહી છે.ત્યારે હવે ગણતરીના દિવસો જ બાકી હોઈ મગફળી વેચવા ખેડૂતોનો ધસારો ખરીદ કેન્દ્રો ઉપર જોવા મળી રહયો છે.ગુરૃવારના રોજ મોડાસા ખાતેના મગફળી ખરીદ કેન્દ્ર ઉપર મગફળી વેચવા આવેલ ખેડૂતોના વાહનોની કતારો જામી હતી.
ખરીદ કેન્દ્રના સૂત્રો ના જણાવ્યા મુજબ ગુરૃવારે જિલ્લાના 7 કેન્દ્રો ઉપર 1799 કવીન્ટલ મગફળીની આવક નોંધાઈ હતી. જિલ્લામાં 14500 ખેડૂતો દ્વારા નિરદ્યારીત સમયમાં મગફળી વેચવા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવાયું છે.આજ દિન સુધીમાં જિલ્લાના 12015 ખેડૂતોને મગફળી વેચવાના મેસેજ કરી દેવાયા છે.તે પૈકી 8917 ખેડૂતો દ્વારા કેન્દ્રો ઉપર 1.57 લાખ કવીન્ટલ મગફળી નું વેચાણ કરાયું છે.મગફળી વેચવા આવેલ 8917 ખેડૂતો પૈકી 11 ખેડૂતોની મગ ફળી ગુણવત્તાના માપદંડો હેઠળ રીઝેકટ કરાતાં આવા ખેડૂતોને મગફળી વેચ્યા વીના પાછા ફરવાનો વારો આવ્યો હોવાનું પણ સૂત્રો દ્વારા જણાવાયું હતું. જયારે જિલ્લાના 7 કેન્દ્રો ઉપર 30 કીલોના 516604 બારદાન,35 કીલોના 7969 બારદાન અને 100 કીલોના 5,24,573 બારદાનનો વપરાશ કરાયો હોવાનું પણ જણાવાયું હતું.હવે મગફળી ખરીદીના ગણતરીના દિવસો જ બાકી હોય અને 30 જાન્યુઆરી સુધી જ ટેકાના ભાવે મગફળી ખરીદવાનો આદેશ હોઈ હજુ બાકી રહી ગયેલા ખેડૂતો મગફળી વેચવા ઉમટી પડશે ત્યારે ત્યારે ભારે ધસારો જોવા મળશે એમ મનાઈ રહયું છે.