ટેક્નોલોજી મિત્ર છે, તેના ગુલામ ન બની જાવ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના તોલકટોરા સ્ટેડિયમમાં વિદ્યાર્થી સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરી હતી. પીએમ મોદીએ વિદ્યાર્થીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. પરીક્ષા પે ચર્ચાની આ ત્રીજી એડિશન છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થી પાસે એ સુવિધા હોય છે કે તે પોતાના પ્રશ્નો સીધા વડાપ્રધાનને મોકલી શકે છે. આ કાર્યક્રમ એ ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીઓ તણાવમુક્ત થઇને પરીક્ષા આપી શકે. પીએમ મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું કે ‘ફરી એકવાર આ મિત્ર તમારી વચ્ચે છે. સૌથી પહેલાં તમને નવા વર્ષ ૨૦૨૦ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. તેમણે કહ્યું કે ‘મને લાગે છે કે તમારા માતા-પિતાનો ભાર થોડો હળવો કરવો જોઇએ. પીએમ મોદીએ કહ્યું કે ‘વિદ્યાર્થી સાથે સંવાદ કરીને મને ખૂબ આનંદ આવે છે. આ કાર્યક્રમ દિલને સ્પર્શી જનાર છે.’
પીએમ મોદીએ કહ્યું કે ગત શતાબ્દીના અંતિમ કાલખંડ અને આ શતાબ્દીના આરંભ કાલખંડમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીએ જીવનને બદલી નાખ્યું છે. એટલા માટે ટેક્નોલોજીનો ભય ક્યારેય પોતાના જીવનમાં આવવા દેવો ન જોઇએ. ટેક્નોલોજીને આપણે આપણો મિત્ર ગણીએ, બદલાતી ટેક્નોલોજીની આપણે પહેલાંથી જાણકારી મેળવીએ તે જરૂરી છે.
તેમણે આગળ કહ્યું કે સ્માર્ટફોન જેટલો તમારો સમય ચોરી કરે છે, તેમાંથી ૧૦ ટકાથી ઓછો સમય તમે તમારા માતા-પિતા, દાદા-દાદી સાથે વિતાવો. ટેક્નોલોજી આપણને ખેંચીને લઇ જાય, તેનાથી આપણે બચીને રહેવું જોઇએ. આપણી અંદર ભાવના હોવી જોઇએ કે હું ટેક્નોલોજીને મારી મરજી અનુસાર ઉપયોગ કરીશ. વડાપ્રધાને વિદ્યાર્થીઓને કહ્યું છે કે પરીક્ષા જ જીવન છે તેવા વિચારથી બહાર આવવું જોઈએ, જીવનમાં બીજુ ઘણુબધુ છે. સફળતા માટે સતત મહેનત કરતુ રહેવું જોઈએ, પરિશ્રમ બાદ પણ જો અપેક્ષિત પરિણામ ન મળે તો ઉદાસ ન થશો, જીવનમાં પરીક્ષા જ સર્વસ્વ નથી.
પીએમ મોદીએ કહ્યું કે ફક્ત પરીક્ષાના માર્ક્સ જ જીંદગી નથી. કોઇ એક પરીક્ષા આખી જીંદગી નથી. આ એક મહત્વપૂર્ણ પડાવ છે. પરંતુ આ બધું જ છે, એવું ન માનવું જોઇએ. હું માતા-પિતાને પણ આગ્રહ કરીશ કે બાળકોને એવી વાતો ન કરે કે પરીક્ષા જ બધુ જ છે. પીએમ મોદીએ ક્રિકેટ સાથ પણ વિદ્યાર્થીને ઉદાહરણ આપ્યું. પીએમ મોદીએ કહ્યું કે ૨૦૦૨માં ભારત વેસ્ટઇંડીઝમાં રમવા ગઇ હતી. અનિલ કુંબલેને ઇજા પહોંચી. લોકો વિચારવા લાગ્યા. તે બોલિંગ કરી શકશે કે નહી. પરંતુ તેમણે કહ્યું કે તે રમશે. પટ્ટી લગાવીને રમ્યા. ત્યારબાદ લારાની વિકેટ લીધે. ઇમોશનને મેનેજ કરવાની રીત શીખવી પડશે.
જબલપુર અને દિલ્હીથી પ્રશ્નઃ જે વિદ્યાર્થીઓ ભણવામાં સારા નથી પરંતુ રમત-ગમત અને સંગીતમાં સારા છે તો તેમનું ભવિષ્ય શું હશે. અભ્યાસ દરમિયાન કઇ રીતે એક્ટિવિટી વચ્ચે બેલેન્સ બનાવી શકાય પીએમ મોદીનો જવાબઃ શિક્ષણ દ્વારા મોટા રસ્તાનો દરવાજો ખોલે છે. સા રે ગા મા થી ફક્ત સંગીતની દુનિયામાં એન્ટ્રી મળે છે, પરંતુ તેનાથી સંગીત પુરૂ થતું નથી. જે આપણે સીખી રહ્યા છીએ તેને જીંદગીની પરીક્ષા પર કસવું જરૂરી. સ્કૂલમાં ભણાવવામાં આવે છે કે ઓછું બોલવામાં ફાયદો થાય છે તો આપણે જીંદગીમાં તેને ઉતારવું જોઇએ. પરંતુ તમે રોબોટની માફક કામ કરતા રહેશે, તો ફક્ત રોબોટ બનીને જ રહી જશો. એટલા માટે અભ્યાસથી અલગ પણ એક્ટિવિટી કરવી જોઇએ. જોકે ટાઇમ મેનેજમેન્ટ જરૂરી છે.