ટેક્સટાઈલ્સમાં બાંગ્લાદેશ ભારત કરતા આગળ નિકળ્યું
અમદાવાદ: કોરોનાની મહામંદીને કારણે એક તરફ દેશમાં વ્યાપાર ધંધા ઉદ્યોગોને માઠી અસર થઇ રહી છે ત્યારે ખાસ કરીને ગુજરાત અને ભારતના મહત્વના ઉદ્યોગ એવા ટેક્સટાઇલ ક્ષેત્રમાં પણ બાંગ્લાદેશ જેવો નાનો દેશ ભારત કરતાં આગળ નીકળી રહ્યો છે. સરકારની વિવિધ યોજનાઓના લાભ અને સસ્તા લેબરને કારણે મલ્ટિનેશનલ કંપનીઓ ગારમેન્ટનું ઉત્પાદન બાંગ્લાદેશમાં જ કરાવી રહ્યા છે. બાંગ્લાદેશમાં તૈયાર થયેલો ગારમેન્ટનો માલ ભારતમાં સસ્તો વેચાતો હોવાથી દેશના ઉત્પાદકોને માર પડી રહ્યો છે.
કોરોના બાદ ધીરે ધીરે વ્યાપાર ધંધા ઉદ્યોગો સેટ થઈ રહ્યા છે તેમ છતાં ગારમેન્ટના વેપારીઓ અને ઉત્પાદકોની પરિસ્થિતિ નાજુક છે. દેશમાં ગારમેન્ટના ઉત્પાદકોને પૂરતું કામ નહીં મળતું હોવાની ફરિયાદો શરૂ થઈ ગઈ છે. શહેરના મોટા વેપારીઓ અને ગારમેન્ટના ઉત્પાદકોની ફરિયાદ છે કે ભારત કરતા ગારમેન્ટના ઉત્પાદનમાં બાંગ્લાદેશ જેવો નાનો દેશ આગળ નીકળી રહ્યો છે.
જેના માટે બાંગ્લાદેશની સરકારી નીતિ તથા સસ્તુ લેબર મહત્વનું કામ કરી જાય છે. આ મુદ્દે માહિતી આપતા સી એ કૈલાસ ગઢવીએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં તૈયાર થયેલો ગારમેન્ટ કે ટેક્ષટાઈલનો માલ ભારતમાં જે કિંમતે વેચાઈ રહ્યો છે તેના કરતાં ભારતમાં તૈયાર થતાં માલની કિંમત ઘણી વખત વધી જતી હોય છે જેને કારણે ગારમેન્ટના ઉત્પાદકોને તકલીફ થતી હોય છે. સરકારી નીતિઓ અને વિવિધ યોજનાઓનો લાભ મળતા બાંગ્લાદેશમાં ગારમેન્ટના ઉત્પાદન તથા વિકાસમાં ખાસ્સો વધારો થયો છે જ્યારે ભારતની સ્થિતિ હજુ યથાવત્ જ રહી છે.