Western Times News

Gujarati News

ટેક્સીમાં માસ્ક ન પહેરનારાને કેનેડામાં ૬૯૦ ડોલરનો દંડ

કેનેડા, ૨૦૨૦નું વર્ષ પૂરું થઈ ગયું છે પરંતુ કોરોના મહામારી હજી ચાલુ જ છે. ૨૦૨૧નું વર્ષ શરૂ થતાં જ કેટલાંક લોકો કોરોના વાયરસ આપણી વચ્ચેથી જતો રહ્યો છે તેવું માનવા લાગ્યા છે. માસ્ક ના પહેરીને કે કોરોનાને લગતી અન્ય ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરીને લોકો માત્ર પોતાના જ નહીં બીજાના જીવને પણ જાેખમમાં મૂકે છે. દુનિયાભરમાં નવા વર્ષની ઉજવણીમાં મસ્ત થયેલા લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. પાર્ટી કરવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું ભૂલ્યા હતા. હવે આની સજા દરેક જણને આપવી તો શક્ય નથી પરંતુ કોવિડ અંગેના નિયમોનું ઉલ્લંઘન કરનાર એક વ્યક્તિને તો એવી સજા મળી જ છે કે બીજા લોકો તેમાંથી બોધપાઠ લઈ શકે.

કેનેડાના વેનકૂવરમાં ન્યૂયરની રાત્રે એક શખ્સ પીધેલી હાલતમાં માસ્ક વિના ટેક્સીમાં બેઠો હતો. ત્યારે ટેક્સી ડ્રાઈવર તેને વારંવાર માસ્ક પહેરવાની વિનંતી કરી પરંતુ તેણે વાત ના માની. છેવટે તેને પાઠ ભણાવવા ટેક્સી ડ્રાઈવર ટેક્સી સીધી પોલીસ સ્ટેશન લઈ ગયો. અહીં પેસેન્જરની ધરપકડ કરવામાં આવી સાથે જ ૬૯૦ ડોલર (આશરે ૫૦,૦૦૦ રૂપિયા)નો દંડ પણ થયો.
રિપોર્ટ પ્રમાણે, વેનકૂવરના વિક્ટોરિયાના ટેક્સી ડ્રાઈવરે ૯૧૧ પર ફોન કરીને જણાવ્યું કે, તેની ટેક્સીમાં બેઠેલો શખ્સ માસ્ક પહેરવાની ના પાડે છે. એટલું જ નહીં પેસેન્જર ડ્રાઈવરના ચહેરાને સ્પર્શ કરતો હતો અને કોવિડ-૧૯ સંબંધિત પ્રોટોકોલનું પાલન કરવાની ચોખ્ખી ના પાડી રહ્યો હતો. જેથી આવા બેજવાબદાર અને ગેરવર્તણૂક કરી રહેલા પેસેન્જરને પાઠ ભણાવવા માટે ડ્રાઈવર પોલીસ સ્ટેશન લઈ ગયો હતો.

પોલીસકર્મીઓ કાર પાસે આવ્યા હતા. તેમણે પેસેન્જરને કારની બહાર નીકળવાનું કહ્યું પરંતુ તે ના માન્યો. છેવટે પોલીસે તેને બહાર કાઢીને કસ્ટડીમાં લીધો હતો. પોલીસે શખ્સ સામે માસ્ક ના પહેરવાનો, ગેરવર્તણૂક કરવાનો અને અધિકારીના આદેશનું પાલન ના કરવાનો ગુનો દાખલ કર્યો હતો. દરેક ગુના માટે તેને ૨૩૦ ડોલર (આશરે ૧૬,૭૮૫ રૂપિયા)નો દંડ ફટકાર્યો હતો.

વિશ્વના પ્રથમ હરોળમાં આવતા દેશોમાં રસીકરણની પ્રક્રિયા શરૂ થઈ છે તેમ છતાં માસ્ક વિના બહાર નીકળવું હિતાવહ નથી. ખાસ કરીને એવા સમયે જ્યારે વાયરસના બદલાતા સ્વરૂપ વિશે જાણકારી હોય. દુનિયાના બધા જ દેશોમાં રસીકરણ થઈ જાય પછી પણ કોરોના વાયરસ રાતોરાત આપણી વચ્ચેથી ગાયબ થવાનો નથી માટે જ સતર્ક રહેવું જરૂરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.