ટેક અવેની સુવિધા ર૪ કલાક કરાતા હોટેલ-રેસ્ટોરન્ટ વ્યવસાયકારોમાં રાહતની લાગણી
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ ગાઈડલાઈનમાં કોઈ મોટા ફેરફાર કરાયા નથી. જેને કારણે વેપાર ધંધા-વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. અર્થતંત્રની ગાડી ધીમે ધીમે પાટે ચડી રહી હતી ત્યાં પુનઃ કોરોના-ઓમિક્રોનના કેસ વધતા વ્યવસાયકારીઓના શ્વાસ અધ્ધર થઈગયા હતા. કેસ વધતા સરકાર વધુ કડક નિયંત્રણો લાવશે અને કફ્ર્યુના સમગાળામાં વધારો કરશે એવી તમામ પ્રકારની અટકળોનો છેદ ઉડી ગયો છે.
ખાસ તો કફ્ર્યુનો સમયગાળોે જૈસે થે રહેતા વેપારી આલમ અને તેમાં પણ હોટેલ-રેસ્ટોરન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. વળી, ટેકઅવેેની સુવિધા ર૪ કલાક માટેનો નિર્ણય લેવાતા સ્વાભાવિક રીતે જ રેસ્ટોરન્ટ- હોટેલના માલિકો માટે તે ‘બુસ્ટર ડોઝ’ સાબિત થશે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે આ અગાઉ રાજ્યના પોલીસ વડાને પત્ર લખીને માત્ર ટેક અવેની સુવિધા આપતી રેસ્ટોરન્ટ-હોટેલને ર૪ કલાક ચાલુ રાખવા માટે મંજુરી આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જેનો રાજ્ય સરકાર તરફથી સ્વીકાર કરાતા હવે હોટેલ-રેસ્ટોરન્ટ ર૪ કલાક ટેકઅવે સર્વિસ ચાલુ રાખી શકશે.
એટલુ જ નહીં હોટેલ-રેસ્ટોરન્ટમાં કામ કરતાં સ્ટાફને પણ પાસે આપનાર છે. જ્યારે ફૂડ સપ્લાય કરતી કંપનીઓના સ્ટાફને પણ મંજુરી અપાશે.ટેક અવે ની સુવિધા ર૪ કલાક ઉપલબ્ધ થતાં જેને મોડીરાત્રે કોઈ કારણોસર ફૂડ મંગાવવુ હશે તો તેઓ મંગાવી શકશે. સરકાર તરફથી જે નિર્ણયો લેવાયા છે તે એકંદરે બજાર માટે રાહતરૂપ સાબિત થશે અને એની કોઈ વિપરીત અસર બજાર પર પડશે નહી તેમ માનવામાં આવી રહ્યુ છે.