ટેન્કરની ટક્કરે કાર ૧૦૦ ફૂટ ઢસડાતાં બેનાં મોત
મહેસાણા: મહેસાણાના લિંક રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સોમવારે રાતે ભાટિયા પરિવાર ખેરવા કોવિડ કેર સેન્ટરની કેન્ટિનમાં સેવા બજાવીને ઘરે પરત આવી રહ્યાં હતા. ત્યારે લગભગ ૯.૩૦ કલાકે મહેસાણા શહેરના સાંઈબાબા બ્રિજ નજીક વળાંક પાસે ટેન્કર ચાલકે ટક્કર મારીને અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે માતા અને પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પતિને ગંભીર ઇજા થતા તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
આ ગમખ્વાર અકસ્માત સર્જીને ટેન્કર ચાલક ફરાર ખઇ ગયો હતો. પરંતુ ભાગી રહેલા ટેન્કર ચાલકને રામપુરા ચોકડી નજીકથી પકડી પાડવામાં આવ્યો હતો. ભાટિયા પરિવાર ઉચરપી રોડ પર શ્રીજી શરણમ ફલેટમાં રહે છે. આ પરિવાર ખેરવા કોવિડ કેર સેન્ટરમાં કેન્ટીનની સેવા આપતો હતો. જે પુરૂ કરીને તેઓ પોતાના ઘરે પરત ફરી રહ્યાં હતા. સંદિપભાઇ ભાટિયા સોમવારે રાત્રે કાર લઈને (૩૮ વર્ષ) પત્ની વનિતાબેન અને (૧૭ વર્ષ) પુત્ર હેત સાથે ઘરે પરત જઇ રહ્યાં હતા.
ત્યારે જ સાંઈબાબા બ્રિજ નજીક વળાંકમાં ટેન્કર ચાલકે ટક્કર મારી હતી. જે બાદ ટેન્કર પરિવારને ૧૦૦ ફૂટ સુધી ઢસડી ગયો હતો. આ ગોઝારા અકસ્માતમાં માતા અને પુત્રનું મોત થયું હતું. જ્યારે પતિને ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.
અકસ્માત બાદ ટેન્કર ચાલક ભાગી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસથી લોકો તેમજ એ ડિવિઝન પોલીસે દોડી આવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. હાલ અકસ્માત સર્જી ને ભાગી છુટેલો ટેન્કર ચાલકને રામપુરા ચોકડી નજીકથી પકડી પાડવામાં આવ્યો છે. આ ગોઝારા અકસ્માતને કારણે મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોમાં ઘણો જ રોષ ભભૂક્યો હતો અને ટેન્કર ચાલકને કડકમાં કડક સજા થાય તેવી માંગ પણ ઉઠી હતી.