Western Times News

Gujarati News

ટેન્કર સાથે અકસ્માત બાદ બસમાં આગથી ત્રણ ભડથુ

અમદાવાદ : ભરૂચ નજીક હાઇવે પર લુવારા પાટિયા પાસે ખાનગી લકઝરી બસ અને ટેન્કર વચ્ચે બહુ ગંભીર અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બસ અને ટ્રક બંનેમાં આગ ફાટી નીકળી હતી. જા કે, લકઝરી બસમાં લાગેલી વિકરાળ આગમાં ત્રણ મુસાફરો ભડથુ થઇ ગયા હતા, જયારે અન્ય ૪૦થી વધુ મુસાફરોને ભારે જહેમત બાદ બચાવી લેવાયા હતા. અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી તો, હાઇવે પણ ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ નબીપુર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસે ત્રણેયના મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. સ્થાનિક ફાયરબ્રિગેડે આવી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લઇ લીધી હતી. અકસ્માતને પગલે લાગેલી આગના કારણે એક તબક્કે મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાત ટ્રાવેલ્સની એસી પ્રિમિયમ લકઝરી બસ વાયા મુંબઇ થઇને અમદાવાદ માટે આવવા રવાના થઇ હતી.

મુસાફરોના જણાવ્યા મુજબ મુંબઇ ખાતે લકઝરી બસના આવવાનો સમય રાત્રિના ૮ વાગીને ૫૫ મિનિટનો હતો પણ મુંબઇ ખાતે લકઝરી બસ રાત્રિના સવા અગિયાર વાગ્યાની આસપાસ આવી હતી. બસમાં ૪૫થી વધારે મુસાફરોએ મુંબઇથી વડોદરા અને અમદાવાદ તરફ તેમની મુસાફરીનો પ્રારંભ કર્યો હતો. આજે રવિવારે વહેલી સવારે ૫ાંચેક વાગ્યાના અરસામાં લકઝરી બસ ભરૂચ હાઇવેના લુવારા પાટીયા પાસે કેમિકલ ભરેલાં ટેન્કર સાથે પાછળના ભાગે અથડાઇ હતી.

અકસ્માત બાદ બસ અને ટેન્કરમાં આગ ફાટી નીકળી હતી. જેમાં બસમાં સવાર ત્રણ મુસાફરોના મોત થયાં છે જયારે ૪૦થી વધુનો બચાવ થયો હતો. અકસ્માત બાદ લાગેલી આગને લઇ મુસાફરોમાં અફરાતફરી અને ચીસાચીસ-બૂમાબૂમનો માહોલ સર્જાયો હતો. અકસ્માતને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. અગાઉ પણ ૨૦૦૫ના ડીસેમ્બર મહિનામાં ભરૂચની નર્મદા ચોકડી પાસે ટ્રકની સાથે પટેલ ટ્રાવેલ્સની વોલ્વો લકઝરી બસમાં આગ ફાટી નીકળી હતી જેમાં ૨૨ મુસાફરો બસમાં જ જીવતા સળગી ગયાં હતાં. આ બનાવે પણ રાજયભરમાં ભારે ચકચાર જગાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.