Western Times News

Gujarati News

ટેબ્લેટના નામે કૌભાંડ, ફૅક વેબસાઇટ બનાવીને ૭૧ વિદ્યાર્થીઓને છેતરવામાં આવ્યા

અમદાવાદ: રાજ્ય સરકારની ટેબ્લેટ આપવાની યોજનામાં ધો.૧૨ પાસ કરેલા વિદ્યાર્થીઓને ૫૦૦ રૂપિયામાં ટેબ્લેટ આપવાની જાહેરાતની આડમાં બોગસ વેબસાઇટ બનાવીને ૭૧ વિદ્યાર્થીઓ પાસેથી સાઇબર ગઠીયાએ છેતરપિંડી કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સાઇબર ક્રાઇમમાં સામે આવ્યો છે. ગઠીયો વર્ષ ૨૦૧૮થી બોગસ વેબસાઇટ ચલાવતો હતો અને સરકારની લેપટોપ સહાય યોજનાની જાહેરાતની ખોટી પીડીએફ ફાઇલ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. સરકારી વેબસાઇટની જેમ આબેહૂબ લાગતી આ વેબસાઇટનું ટેક્નિકલ ટીમ દ્રારા એનાલિસીસ કરવામાં આવતા તે ફૅક હોવાનું સામે આવ્યું છે.

ન્યૂ રાણીપમાં રહેતા અને નોલેજ કોન્સોટીયમ ઑફ ગુજરાત શિક્ષણ વિભાગમાં કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અપેક્ષાબેન શાહે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક વ્યકિત વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી છે. અપેક્ષાબેન નમો ઇ-ટેબ યોજના અંતર્ગત ટેબ્લેટ વહેંચણીની કરવાનું કામ કરે છે. અપેક્ષાબેનને જાણવા મળ્યું હતું કે સંજય સુમરા નામના વ્યકિતએ સરકારની લેપટોપ સહાય યોજનાની જાહેરાતની ખોટી પીડીએફ ફાઇલ તેમજ ફૅક વેબસાઇટ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી છે.

સંજય સુમરાએ ફૅક વેબસાઇટમાં લેપટોપ સ્કીમ નામે ઓનલાઇન અરજી વિદ્યાર્થીઓ પાસે કરાવીને તેમને લેપટોપ સહાયના નામે ૫૦૦ રૂપિયા લેતો હતો. અપેક્ષાબેને આ મામલે વેબાઇસટના હોમ મેનુમાં ક્લિક કરતા જાેયું તો રાજ્ય સરકારની વેબસાઇટ રિ-ડાયરેક્ટ થતી જાેવા મળી હતી. અપેક્ષાબેનને શંકા જતા તેમણે ટેક્નિકલ ટીમ મારફતે વેબસાઇટનું એનાલિલીસ કરાવ્યું હતું.

એનાલિસીસ બાદ ટેક્નિકલ ટીમે વેબસાઇટ ખોટી હોવાનો ખુલાસો કર્યો હતો. સંજયે આશરે ૭૧ વિદ્યાર્થીઓ પાસેથી લેપટોપ સહાયમાં આપવાના બહાને ૩૫,૫૦૦ રૂપિયાની છેતરપિંડી કરી હતી. અપેક્ષાબેને આ મામલે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની સહાયકારી યોજનાઓમાં તપાસ કરાવી હતી. જેમા તેમને જાણવા મળ્યુ હતું કે સરકારની માત્ર નમો ઇ-ટેબ યોજના કાર્યરત છે.

નમો ઇ-ટેબ યોજના અંતર્ગત ઘો.૧૨ની પરીક્ષા પાસ કરીને કૉલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ ફાળવવામાં આવે છે. હાલ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તરફથી લેપટોપ સહાય યોજના નામની કોઇ યોજના બહાર પાડી નથી કે કોઇને ઓથોરાઇઝ્‌ડ કરી નથી.સંજય સુમરા નામના વ્યકિતએ સરકારના નામે બોગસ વેબસાઇટ બનાવીને વિદ્યાર્થી પાસેથી એક ટેબ્લેટ દીઠ ૫૦૦ રૂપિયા પડાવીને છેતરપિંડી કરી હોવાનું સામે આવતા સાઇબર ક્રાઇમે તેની વિરુદ્ધ છેતરપિંડી, ડોક્યુમેન્ટમા  ચેડા તેમજ આઇટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. વર્ષ ૨૦૧૮થી સંજય સુમરા નામનો વ્યક્તિ આ વેબસાઇટ ચલાવતો હતો. ત્રણ વર્ષ સુધી પોલીસ અને સરકારના કોઇપણ વિભાગનું તેના તરફ ધ્યાન ન જતા અનેક સવાલો ઊભા થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.