ટેમ્પામાં હાઇડ્રોલિક ગુપ્ત ખાનુ બનાવીને છુપાયેલો ૪૮૩ લીટર દેશી દારૂ ઝડપાયો
અમદાવાદ: બુટલેગરો દારૂ છૂપાવવા માટે અનેક ટેકનીકનો ઉપયોગ કરતા હોય છે. તાજેતરમાં તેલના ડબ્બામાં છુપાવેલા દારૂની ટેકનીકનો પર્દાફાશ થયો હતો. ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે છોટા હાથી ટેમ્પામાં ગુપ્ત ખાનુ બનાવીને દેશી દારૂ છુપાવવાની ટેકનીકનો પર્દાફાશ કર્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે ૪૮૩ લીટર દેશી દારૂ ટેમ્પાના ગુપ્ત ખાનામાંથી ઝડપી પાડ્યો છે ત્યારે બુટલેગર નાસી છૂટ્યો છે.
સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હતી કે, કાસીમ ઉર્ફે કાસમ હૈદરહુસેન મણીયાર ટેમ્પામાં દેશી દારૂનો જથ્થો લઇને જઇ રહ્યો છે. બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગોમતીપુરમાં એક દવાખાના પાસે પહોચી તો ત્યારે એક ટેમ્પો ઉભો હતો. પોલીસને જાેતાની સાથેજ લોકોએ બુમ પાડી કે પોલીસ આવી છે. પોલીસનું નામ સાંભળતાની સાથે જ દેશી દારૂનું કટીગ કરતો બુટલેગર નાસી ગયો હતો. પોલીસ તેને પકડવા માટે પાછળ દોડી હતી પરંતુ મેટ્રોરેલમાં કામ કરતા મજુરો છૂટી ગયા હોવાથી તે મજુરોની ભીડમાં સામેલ થઇ ગયો હતો.
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કાસમને જાેયો નહીં હોવાથી તે મજૂરોની ભીડનો લાભ લઇને છૂટી ગયો હતો. ઘટના સ્થળે ટેમ્પાની તપાસ કરી તો બુટલેગરની કરામત જાેઇને પોલીસે ચોંકી ગઇ હતી. બુટલેગર કાસમે ટેમ્પાની નીચે હાઇડ્રોલીક રીતે ખુલતુ ગુપ્ત ખાનુ બનાવ્યુ હતું.
પોલીસે મીકેનીકને બોલાવીને ભારે જહેમત બાદ ગુપ્ત ખાનુ ખોલ્યુ હતું.
ગુપ્તખાનમાં કાસમે દેશી દારૂનો જથ્થો સંતાડેલો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલને ૧૬૧ પોલીથીનની થેલીમાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે ૪૮૩ લીટર હતો. સ્ટેટ મોનીટરીંગ સેલના હેડ કોન્સ્ટેબલ મુકેશભાઇએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં કાસમ અને એક અજાણ્ય શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
પોલીસે પ્રોહબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં આવી જ વિચિત્ર મોડ્સ ઓપરેન્ડી સાથે એક આરોપીની કૃષ્ણનગર પોલીસે ધરપકડ કરી હતી. જે તેલના ડબ્બામાં દારૂ અને બિયરનો જથ્થો રાખી હેરાફેરી કરતો હતો.