ટેમ્પા ચાલકે લારી ચાલકને અડફેટે લેતા ઘટના CCTVમાં કેદ
જંબુસરમા ટેમ્પા ચાલકે લારી ચાલકને અડફેટે લેતા ઘટના સીસીટીવીમાં કેદ : બેફામ રીતે ટેમ્પો હંકારતા નિર્દોષનો ભોગ લેવાયો.
(વિરલ રાણા) ભરૂચ,
જંબુસરમાં ફોર વ્હીલ ટેમ્પાના ચાલકે પોતાનો ટેમ્પો પુરઝડપે ગફલતભરી રીતે હંકારી લાવી હાથલારી ચાલકને અડફેટે લેતાં હાથલારી ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓનું મરણ થયું હતું.
બનાવ અંગે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર કાલુભાઈ અહેમદભાઈ ગોરી જે હાથલારી દ્વારા મહેનત મજુરી કરી પોતાના પરિવારનું જીવન નિર્વાહ ચલાવે છે.કાલુભાઈ ગોરી દરરોજના નિયમ મુજબ હાથલારી લઈ લારીમાં કેરી ભરી રોજગાર અર્થે ડેપો તરફ જતા હતા.
તે સમય દરમ્યાન એસટી ડેપો રિંગરોડ પર એક ફોર વ્હિલ ટેમ્પો ચાલકે પુરપાટ ઝડપે ગફલતભરી રીતે ટેમ્પો હંકારી લાવી કાલુભાઈ અહેમદભાઈ ગોરી તથા લારી સહિત ધડાકાભેર ટેમ્પો અથાડતા કાલુભાઈ ગોરીને શરીર તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઈજાગ્રસ્તને સારવાર અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર કરી હતી ગંભીર ઈજાઓને લઈ વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના ડોકટરે કાલુભાઈ ગોરીને મૃત જાહેર કરતા સદર બનાવ અંગે શબ્બીરભાઈ મહંમદભાઈ દીવાને જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
જંબુસર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અને બનાવ સંદર્ભે પીઆઈ કે વી બારીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.