ટેરર ફંડિંગના મામલે જમ્મુ કશ્મીરમાં અનેક સ્થળે NIAના દરોડા
નવી દિલ્હી, આતંકવાદીઓને નાણાં પૂરાં પાડતી કેટલીક એનજીઓના કાળાં કરતૂતો પકડવા NIA દ્વારા જમ્મુ કશ્મીરમાં દસેક ઠેકાણે અને બેંગાલુરુમાં એક સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા.
ટેરર ફંડિંગના મામલે અગાઉથી મળેલી બાતમીના જોરે NIAએ દ્વારા શ્રીનગરમાં નવ સ્થળે અને બાંદીપોરામાં એક સ્થળે દરોડા પાડ્યા હતા. દક્ષિણ ભારતમાં કર્ણાટકના બેંગાલુરુમાં પણ એક સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો. જમ્મુ કશ્મીરની કેટલીક એનજીઓ દેશવિદેશથી ફંડ મેળવીને આતંકવાદીઓને પહોંચાડતી હતી. એવી એનજીઓના ઠેકાણાં પર NIA ત્રાટકી હતી.
એનઆઇએ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે એક પ્રતિષ્ઠિત એનજીઓ ધર્મ અને સામાજિક કાર્યોના નામે દેશ વિદેશમાંથી નાણાં મેળવતી હતી અને એ નાણાં આતંકવાદીઓ તેમજ વિભાજનવાદીઓને પૂરાં પાડવામાં આવતાં હતાં.
NIA આવી આઠેક એનજીઓના દસ્તાવેજો તપાસી રહી હતી. અલગ અલગ નામથી અને અલગ અલગ ઉદ્દેશો દાખવીને દેશવિદેશથી નાણાં મેળવવામાં આવતા હતા. આ નાણાં હવાલા ચેનલ દ્વારા ભારતમાં આવતા હતા.
NIAના એક સૂત્રે આપેલી માહિતી મુજબ આ એનજીઓ જોખમી રીતે બહારથી નાણાં મેળવીને કશ્મીર ખીણ વિસ્તારમાં આતંકવાદીઓને તેમજ આતંકવાદ બનવા માગતા યુવાનોને ચૂકવતી હતી. 26/11ના આતંકવાદી હુમલાના સૂત્રધાર હાફિઝ સૈયદની આતંકવાદી સંસ્થા ફલહ એ ઇન્સાનિયત તરફથી મળેલા બેફામ નાણાં દ્વારા કેટલાક લોકોએ ઘણાં ભારતીય શહેરોમાં પોશ એરિયામાં પ્રોપર્ટીઓ ખરીદી હતી. NIA આવા કારનામાંની સાબિતીઓ એેકઠી કરી રહી હતી.