Western Times News

Gujarati News

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી નાની ઉંમરમાં બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ જે ચાર દાયકા બાદ પણ તૂટી શક્યો નહીં…

પાકિસ્તાનના ક્રિકેટરનો એક એવો રેકોર્ડ, જે ૪૭ વર્ષ બાદ તૂટી શક્યો નથી

ટેસ્ટમાં સૌથી નાની ઉંમરમાં બેવડી સદીનો રેકોર્ડ છે

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી નાની ઉંમરમાં બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ પાક.ના પૂર્વ સ્ટાર બેટર જાવેદ મિયાંદાદના નામે છે

નવી દિલ્હી, કહેવામાં આવે છે કે રેકોર્ડ બનવા માટે તૂટે છે પરંતુ ક્રિકેટનો એક એવો રેકોર્ડ છે જે ચાર દાયકા બાદ પણ તૂટી શક્યો નહીં. આ રેકોર્ડ છે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી નાની ઉંમરમાં બેવડી સદી ફટકારવાનો. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછી ઉંમરમાં ડબલ સેન્ચુરી બનાવવાનો રેકોર્ડ પાકિસ્તાનના સ્ટાર બેટર જાવેદ મિયાંદાદના નામ પર છે, જેણે વર્ષ ૧૯૭૬માં ૧૯ વર્ષ ૧૪૦ દિવસની ઉંમરમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ કરાચીમાં બેવડી સદી ફટકારી હતી.

મેચમાં મિયાંદાદે ૨૯ ચોગ્ગા અને બે સિક્સની મદદથી ૨૦૬ રન બનાવ્યા હતા. ૧૯૭૬થી ક્રિકેટ લાંબી સફર કાપી ૨૦૨૩માં પહોંચી ગયું છે પરંતુ મિયાંદાદનો રેકોર્ડ હજુ સુધી કોઈ બેટર તોડી શક્યા નથી. મિયાંદાદે વેસ્ટ ઈન્ડિઝના જોર્જ હેડલીનો રેકોર્ડ તોડી આ સિદ્ધિ પોતાના નામે કરી હતી. મિયાંદાદ પહેલા જોર્જ હેડલી ટેસ્ટમાં સૌથી નાની ઉંમરે સદી ફટકારનાર બેટર હતા.

તેમણે વર્ષ ૧૯૩૦માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ કિંગસ્ટનમાં જ્યારે ૨૨૩ રનની ઈનિંગ રમી હતી ત્યારે તેમની ઉંમર ૨૦ વર્ષ ૩૦૮ દિવસની હતી.આ મામલામાં ત્રીજા સ્થાન પર ભારતીય બેટર વિનોદ કાંબલી છે. ૧૯૯૩માં ૨૧ વર્ષ ૩૨ દિવસની ઉંમરમાં કાંબલીએ વાનખેડે સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ૨૨૪ રનની ઈનિંગ રમી હતી. મિયાંદાદની વાત કરીએ તો ૧૨૩ ટેસ્ટમાં તેમણે ૫૨.૫૭ની એવરેજથી ૮૮૩૨ રન બનાવ્યા હતા, જેમાં ૨૩ સદી સામેલ છે. વનડેમાં પણ તેમનો રેકોર્ડ પ્રભાવી રહ્યો છે. તેણે ૨૨૩ વનડેમાં ૪૧.૭૦ની એવરેજથી ૭૩૮૧ રન બનાવ્યા, જેમાં આઠ સદી સામેલ છે.

ટેસ્ટમાં સૌથી નાની વયે બેવડી સદી ફટકારનાર ટોચના ૫ બેટ્‌સમેન
૧. જાવેદ મિયાંદાદ (પાકિસ્તાન) : ૧૯ વર્ષ ૧૪૦ દિવસ (૨૦૬ રન)
૨. જ્યોર્જ હેડલી (વેસ્ટ ઈન્ડિઝ) : ૨૦ વર્ષ ૩૦૮ દિવસ (૨૨૩ રન)
૩. વિનોદ કાંબલી (ભારત) : ૨૧ વર્ષ ૩૨ દિવસ (૨૨૪ રન)
૪. ગેરી સોબર્સ (વેસ્ટ ઈન્ડિઝ) : ૨૧ વર્ષ ૨૧૩ દિવસ (૩૬૫* રન)
૫. ગ્રીમ સ્મિથ (દક્ષિણ આફ્રિકા) : ૨૧ વર્ષ ૨૫૯ દિવસ (૨૦૦ રન)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.