Western Times News

Gujarati News

ટેસ્ટ ચેમ્પિયનશિપ ભારત પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાને

આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝનો 2-0થી વ્હાઇટવોશ કર્યો હતો. આ જીતથી ભારતને 120 પોઇન્ટ મળ્યા છે. ટીમ ઇન્ડિયા અત્યારે પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાને છે. તેમજ 100થી વધુ પોઈન્ટ્સ મેળવનાર એકમાત્ર ટીમ છે.પોઈન્ટ્સ ટેબલમાં 60 પોઇન્ટ સાથે કિવિઝ બીજા સ્થાને અને 60 પોઇન્ટ સાથે જ શ્રીલંકા ત્રીજા સ્થાને છે. ચેમ્પિયનશિપમાં આ ભારતની પ્રથમ સીરિઝ હતી. તે આગામી સીરિઝમાં ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે રમશે. ત્રણ ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ 2 ઓક્ટોબરના રોજ વિશાખાપટ્ટનમ ખાતે રમાશે.

12 ટેસ્ટ રમનારા દેશોમાંથી ટોપ-9માં સામેલ ટીમો જ આ ચેમ્પિયનશિપ રમી શકે છે. આયરલેન્ડ અને અફઘાનિસ્તાનને ટૂર્નામેન્ટમાં રમવાની તક નહીં મળે. બીજી બાજુ ઝિમ્બાબ્વેની ટીમ પર પ્રતિબંધ લાગી ગયો છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તમામ ટીમ 6 સીરીઝ રમશે. જેમાં ત્રણ સીરીઝ ઘરેલૂ અને ત્રણ વિદેશી જમીન પર હશે. એક સીરીઝમાં ઓછામાં ઓછી બે અને વધુમાં વધુ 5 ટેસ્ટ રમી શકાય છે. લીગ રાઉન્ડ પૂર્ણ થયા બાદ જૂન 2021માં ઈંગ્લેન્ડના ગ્રાઉન્ડ પર ફાઈનલ રમાશે.

આઈસીસીએ ટેસ્ટ ક્રિકેટ અને બાઈલેટરલ સિરીઝમાં બધાને રસ પડે તે માટે સારું પગલું લીધું છે. જોકે આ સિસ્ટમ ખામીઓ તો છે જ! કોઈ પણ ટીમને વિદેશમાં જીત માટે વધુ પોઇન્ટ મળતા નથી, જે ખોટું કહેવાય. જે ટીમ ઘરઆંગણે વધુ મેચ રમશે તેને ચોક્કસથી વધુ ફાયદો થશે. તેવામાં વિદેશમાં સારો દેખાવ કરનાર ટીમને ફાયદો થશે નહીં. તેમજ 2-3 ટેસ્ટની સિરીઝ રમનાર ટીમને ફાયદો થશે કારણકે તેવોને 5 મેચની સરખામણીએ ઓછા સ્ટ્રેસ સાથે રમીને વધુ પોઈન્ટ્સ મળશે. જોકે આઈસીસીએ પહેલી વાર આ ફોર્મેટ બહાર પાડ્યું હોવાથી હવે પછીની આવૃત્તિમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.