ટોક્યોમાં મેરી કોમ, મનપ્રિત સિંહ ભારતના ધ્વજવાહક
નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત ૨૩ જુલાઈથી થઈ રહી છે. તેનું સમાપન ૮ ઓગસ્ટે થશે. આ વચ્ચે માહિતી મળી રહી છે કે છ વખતની વિશ્વ ચેમ્પિયન બોક્સર મેરી કોમ અને પુરૂષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક હશે. મેરી કોમ અને મનપ્રીત સિંહ ભારત તરફથી ધ્વજવાહક હોવાની જાણકારી સોમવારે ઓલિમ્પિક એસોસિએશને આપી છે. આ બન્ને સિવાય સમાપન સમારોહ માટે રેસલર બજરંગ પૂનિયાની ભારતીય દળના ધ્વજવાહક તરીકે પસંદગી કરવામાં આવી છે.
ટોક્યો ઓલિમ્પિક શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. આગામી ૨૩ જુલાઈથી રતમના મહાકુંભની શરૂઆત થશે. ઓલિમ્પિક સમિતિએ રમત દરમિયાન દર્શકોની હાજરીને લઈને મોટી જાહેરાત કરી હતી. હકીકતમાં જાપાનના આયોજકોએ આગામી ટોક્યો ગેમ્સ દરમિયાન બધા વેન્યૂ પર દર્શકોની મર્યાદા નક્કી કરતા સ્ટેડિયમની ક્ષમતાના ૫૦ ટકા લોકોને સ્થળ પર આવવાની મંજૂરી આપી છે.
પરંતુ આયોજકોએ સ્પષ્ટ કહ્યું છે કે કોઈ પણ વેન્યૂ પર વધુમાં વધુ ૧૦ હજાર દર્શકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી રહેશે. આયોજકોના નિવેદન અનુસાર, ઓલિમ્પિક ગેમ્સમાં દર્શકોની લિમિટ વેન્યૂ ક્ષમતાના ૫૦ ટકા રહેશે. જેમાં વધુમાં વધુ ૧૦ હજાર લોકો રમત જાેવા સ્ટેડિયમમાં આવી શકશે.
કોરોનાને કારણે પાછલા વર્ષે ઓલિમ્પિકનું આયોજન રદ્દ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે કોરોના પ્રોટોકોલની સાથે રમતનું આયોજન થઈ રહ્યું છે. અનેક દેશોના ખેલાડીઓ જાપાન પહોંચી ગયા છે. હવે ૨૩ જુલાઈથી રમતના આ મહાપર્વની શરૂઆત થઈ જશે.