ટોચના આતંકવાદીઓમાં નામ આવતાં મહાતીર અપસેટ

ન્યૂયોર્ક, મલેશિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન મુહમ્મદ મહાતીરને વિશ્વના વીસ સૌથી ખતરનાક આતંકવાદીઓની યાદીમાં સામેલ કરતી યાદી અમેરિકાએ પ્રગટ કરી હતી. દેખીતી રીતેજ પોતાનું નામ રીઢા આતંકવાદીઓમાં આવતાં મહાતીર ભડક્યા હતા.
અમેરિકી વેબસાઇટ ‘ધ કાઉન્ટર એક્સ્ટ્રીમીઝમ પ્રોજેક્ટમાં વિશ્વના વીસ સૌથી ખતરનાક આતંકવાદીઓની યાદી પ્રગટ કરાઇ હતી. આ આતંકવાદીઓ સમગ્ર વિશ્વની સલામતી સામે ખતરા રૂપ છે એવું પણ એમાં લખ્યું હતું. આ યાદીમાં મહાતીર 14મા ક્રમે બિરાજે છે.
મહાતીરે તરત પોતાના પ્રતિભાવ રજૂ કરતાં ટ્વીટર પર લખ્યું કે અમેરિકાની એક વેબસાઇટે વિશ્વની સલામતી સામે ખતરારૂપ વીસ રીઢા આતંકવાદીઓની યાદીમાં મારો પણ સમાવેશ કર્યો હતો. આ વેબસાઇટે મને પાશ્ચાત્ય દેશો, યહૂદીઓ અને એલજીબીટીના ટીકાકાર તરીકે ચીતર્યો છે.
એમાં લખ્યું છે કે મહાતીર હિંસાની ઘટનાઓમાં પ્રત્યક્ષ રૂપે સામેલ થયા નથી. પરંતુ એમના વિવાદાસ્પદ નિવેદનોની સમગ્ર વિશ્વમાં આકરી ટીકા થઇ હતી. તેમના પર એવો આક્ષેપ છે કે એ પશ્ચિમના દેશો વિરોધી આતંકવાદી હિંસાને સતત પ્રોત્સાહન આપતા રહ્યા હતા.
મહાતીરે પોતાના બચાવમાં લખ્યું કે ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંએ ઇસ્લામ વિશે કરેલાં વિધાનોની ટીકા રૂપે મેં આ અભિપ્રાય આપ્યો હતો. મેક્રોં માને છે કે ઇસ્લામ આતંકવાદને પ્રોત્સાહિત કરે છે. એ અભિપ્રાય સાવ ખોટ્ટો છે. કોઇ નિર્દોષની હત્યા કરવા પર ઇસ્લામે સખત બંધી ફરમાવી છે. મુસ્લિમો હોય કે બિનમુસ્લિમ હોય, ઇસ્લામમાં હત્યાને માનવ હત્યા ગણવામાં આવી છે.
કોઇ મુસ્લિમ હત્યા કરે તો એ ઇસ્લામના સિદ્ધાંતોને કારણે કરતો નથી. મેં ઇસ્લામ વિશે જે કંઇ કહ્યું એને તોડી મરોડીને અમેરિકી વેબસાઇટ પર લખવામાં આવ્યું છે. હું આતંકવાદની વકીલાત કરું છું એવું પણ લખ્યું છે. મેં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે મુસ્લિમોમાં બદલાની કે કિન્નાખોરીની ભાવના હોતી નથી. વાસ્તવમાં પશ્ચિમના દેશોની ટીકા કરો એટલે તમને આતંકવાદી ગણાવી દેવામાં આવે છે. તમે યહૂદી પ્રજાની ટીકા કરો તો તમને યહૂદી વિરોધી ગણાવી દેવામાં આવે છે.