ટોચની શૈક્ષણિક સંસ્થાઓના ૧૨૨ વિદ્યાર્થીઓની આત્મહત્યા

નવીદિલ્હી, આઇઆઇટી,આઇઆઇએમ, કેન્દ્રીય યુનિવર્સિટીઓ અને અન્ય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના ૧૨૨ વિદ્યાર્થીઓએ ૨૦૧૪થી ૨૦૨૧ દરમિયાન આત્મહત્યા કરી છે, એમ લોકસભામાં જણાવાયું હતું. લોકસભામાં લેખિત સવાલના જવાબમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે કુલ ૧૨૨ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી તેમાથી ૨૪ અનુસૂચિત જાતિના હતા અને ૪૧ અધર બેકવર્ડ ક્લાસીસ (ઓબીસી)ના હતા અને ત્રણ અનુસૂચિત જનજાતિના હતા. ત્રણ વિદ્યાર્થીઓ લઘુમતી કેટેગરીના હતા.
પ્રધાન દ્વારા પૂરા પાડવામાં આવેલા આંકડા મુજબ ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ્સ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી), ઇન્ડિયન ઇન્સ્ટિયુટ્સ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ), ઇન્ડિયન ઇન્સિટયુટ ઓફ સાયન્સીસ (આઇઆઇએસસી), કેન્દ્રીય યુનિવર્સિટીઓ અને અન્ય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં કુલ ૧૨૧ બનાવ બન્યા હતા.
વિવિધ આઇઆઇટીમાં આત્મહત્યાના બનાવની સંખ્યા આ સમયગાળા દરમિયાન ૩૪ હતી, જ્યારે આઇઆઇએમમાં આ સમયગાળા દરમિયાન ચાર વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. આઇઆઇએસસી બેંગ્લોરમાં નવ વિદ્યાર્થીઓ અને ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચના નવ વિદ્યાર્થીઓએ ૨૦૧૪થી ૨૦૨૧ દરમિયાન આત્મહત્યા કરી હતી. જ્યારે ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ્સ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઇઆઇટી)ના ચાર વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી.
સૌથી વધારે પ્રમાણમાં કેન્દ્રીય યુનિવર્સિટીના કુલ ૩૭ વિદ્યાર્થીઓે આત્મહત્યા કરી છે. જ્યારે બીજા ક્રમે નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી (એનઆઇટી)ના કુલ ૩૦ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે.HS