ટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં ઘટાડો થયો
મુંબઈ: શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની છ કંપનીઓની માર્કેટ મૂડીમાં ૨૯૪૮૭ કરોડ રૂપિયાનો સંયુક્તરીતે ઘટાડો થયો હતો. ભારતી એરટેલની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન સૌથી વધુ ઘટાડો થયો હતો.
ગુરુવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન ટીસીએસ, એચડીએફસી, હિન્દુસ્તાન યુનિલીવર, એચડીએફસી બેંક અને રિલાયન્સની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. જ્યારે ઇન્ફોસીસ, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. ભારતી એરટેલની માર્કેટ મૂડી ૧૦૬૯૨.૯ કરોડ રૂપિયા ઘટીને ૨૯૭૬૦૦.૬૫ કરોડ થઇ ગઇ છે.
ટીસીએસની માર્કેટ મૂડી ૧૦૩૧૯.૦૬ કરોડ રૂપિયા ઘટીને ૮૦૯૧૨૬.૭૧ કરોડ થઇ ગઇ છે. એચડીએફસીની માર્કેટ મૂડી પણ નોંધપાત્રરીતે ઘટી ગઈ છે. બીજી બાજુ ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ૪૪૭૧.૫૯ કરોડ રૂપિયાનો વધારો થતાં તેની માર્કેટ મૂડી ૩૩૯૨૮૭.૬૧ કરોડ રૂપિયા થઇ છે. બજાજ ફાઈનાન્સની માર્કેટ મૂડીમાં પણ આ ગાળા દરમિયાન વધારો થયો છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ટોપ ઉપર અકબંધ છે. ઇન્ફોસીસ પણ માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ટોપટેનમાં સામેલ છે.
છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન સેંસેક્સમાં ૮૭ પોઇન્ટનો ઘટાડો થયો હતો. શુક્રવારના દિવસે મહાશિવરાત્રિના અવસર પર બજારો બંધ રહ્યા હતા. હવે આવતીકાલથી શરૂ થતાં નવા સત્રમાં તમામ કંપનીઓમાં માર્કેટ મૂડીને વધારવાને લઇને જારદાર સ્પર્ધા રહી શકે છે.