Western Times News

Gujarati News

રેતી લીઝ સંચાલકોએ નદીના પટમા ગેરકાયદેસર પુલીયા બનાવ્યા

ઝઘડિયા તાલુકાના જવાબદાર તંત્ર પણ ગેરકાયદેસર પુલીયાથી વાકેફ છે ! છંતા રોટલી સેકાઈ રહી છે !

દર વર્ષે પુલીયા બનાવાય છે અને સ્થાનિક નાગરીકો આખુ વર્ષ  પુલીયા બાબતે હલ્લાબોલ કરે ત્યારે સીઝનના અંતમાં પુલીયા તોડવાનુ કામ થાય છે અને દિવાળી પર ફરીથી પુલીયા બની જાય છે. 

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામે લીઝ સંચાલકો દ્વારા ટોઠીદરા ગામ તરફના નર્મદા નદીના ઓછા પ્રવાહના પટમાં ગેરકાયદેસર રીતે મોટા ભૂંગળા નાખી નદીની વચ્ચે ના પટમાંથી રેતી ખનન કરી વહન કરવા પુલિયા બનાવી દેવાયા છે.કોઈપણ પ્રકારની પુલિયા બનાવવાની મંજૂરી ન મળી શકે એવી હોય તેમ છતાં તંત્રના મેળાપીપણામાં પાણીના પ્રવાહને અવરોધ થાય તે રીતે પુલીયા બનાવાયા છે.

સ્થાનિકોની વારંવારની રજૂઆત બાદ પણ જવાબદાર તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં આવ્યા નથી.

ઝઘડિયા તાલુકાના ટોઠીદરા તથા તરસાલી નર્મદા નદીના કિનારા પરથી મોટા પાયે રેતી ખનનનો વેપલો ચાલી રહ્યો છે.મંજૂર કરાયેલી લીઝોમાંથી ઉપરાંત ગેરકાયદે પણ હજારો ટન રેતી ઉલેચી સરકારની તિજોરી પર રોયલ્ટીનો માર પડી રહ્યો છે તેમ છતાં આડેધડ અને બેખોફ રેતી ખનન અને વહનની પ્રક્રિયા ચાલે છે.ઝઘડિયા તાલુકાના ટોઠીદરા અને તરસાલી ગામે નર્મદા નદીનો બે પ્રવાહમાં વહે છે.

ટોઠીદરા ખાતે ઓછા પ્રવાહનો પટ અને ત્યારબાદ વધુ પ્રવાહ વારો પટ અને તેની વચ્ચે આવેલી લીઝની જમીનમાંથી રેતી ખનન કરવામાં આવે છે.

નર્મદાના બે પટની વચ્ચે મંજુર થયેલ લીઝ માંથી રેતી ખનન કરવા માટે ટોઠીદરાના ઓછા પ્રવાહ વાળા પટ માંથી લીઝ સુધી પહોંચવા લીઝ સંચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે ભૂંગળા નાખી રસ્તો બનાવી તેના પરથી રેતી ભરેલી ટ્રકો પસાર કરવામાં આવે છે.ટોઠીદરા ખાતે ગેરકાયદેસર રીતે નર્મદાના પ્રવાહને અવરોધી મોટા ભૂંગળા નાખી આશરે સો મીટર જેટલા લાંબા પુલિયા બનાવાયા છે.

નદીના પ્રવાહને અવરોધી આ રીતે  પુલીયા બનાવવા માટે કોઈપણ તંત્ર દ્વારા મંજૂરી મળતી નથી તેમ છતાં સ્થાનિક વહીવટી તંત્રના મેળાપીપણામાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ટોઠીદરા,તરસાલી ગામે ચાલી રહી છે.સ્થાનિકો વારંવાર રજૂઆત કરે છે

તેમ છતાં તંત્ર દ્વારા તેને નજર અંદાજ કરી આખી સિઝન પુલીયા ચલાવા દેવાય છે.વધુ દબાણ આવે ત્યારે પુલીયા તોડવાની ફક્ત કામગીરી કરવામાં આવે છે પરંતુ નવી સિઝન શરૂ થતા પહેલા ફરીથી આવા પુલીયા લીઝ સંચાલકો દ્વારા બનાવી દેવામાં આવે છે.  ત્યારે જવાબદાર તંત્ર જેને ગત સિઝનની અંદર પુલીયા તોડી પડ્યા હોય

તે નવા પુલીયા  બનાવતી વખતે કોઈ રોક ટોક સંચાલકોને કરતા નથી અને તે બાબતે અજાણ હોવાનો તાલુકા તથા જીલ્લા નું વહીવટી તંત્ર ડોળ કરે છે ! જેથી લીઝ સંચાલકો રૂપિયા ના જોરે બેફામ બન્યા છે.પ્રવાહ અવરોધાવાના કારણે નદીના પ્રવાહને તથા પ્રકૃતિને મોટું નુકસાન થઈ રહ્યું છે.ટોઠીદરા ખાતે બનેલા પુલીયા દૂર કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે.

ટોઠીદરા ગામના ખેતરોના પગદંડી રસ્તા પર લીઝ સંચાલકોએ ૨૦ ફુટ નો રોડ બનાવી દીધો: ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામે આવેલી લીઝોના સંચાલકો દ્વારા ટોઠીદરા ગામથી લીઝ સુધી પહોંચવા માટે ખેતરોના પગદંડી રસ્તાઓ પર ૨૦ ફૂટ પહોળા રોડ બનાવી દીધા છે અને ઝઘડિયાના જવાબદાર તંત્ર દ્વારા તેની સ્થળ મુલાકાત લઇ તેને કાયદેસરતા પણ અપાવી દીધી છે!તંત્રએ ખેડૂતોની પહેલ પડખે રહેવાના બદલે લીઝ સંચાલકોની પડખે રહી ખેડૂતોની રજુઆતની ઉપરવટ જઈ રસ્તો પહોળો કરી આપ્યો છે તેવા આક્ષેપો ભોગ બનનાર ખેડૂતો કરી રહ્યા છે.

રોજની સેંકડો ટ્રકો આ બનાવી દીધેલા રસ્તા પરથી પસાર થતા આજુબાજુની ખેતીને વ્યાપક નુકસાન થાય છે તેના માટે ગ્રામજનોએ કલેકટર ડીએસપી સહીત રાજપારડી પોલીસને મામલતદાર અને પ્રાંત અધિકારીને રજૂઆત બાદ પણ તેનું કોઈ પરિણામ આવ્યું નથી.

રેતી ખનન માં રોયલ્ટીની બેફામ ચોરી થઈ રહી છે : ઝઘડિયા તાલુકાના ટોઠીદરા, તરસાલી ગામે થી કાયદેસર અને ગેરકાયદેસર રીતે આમ બંને રીતે રેતીનું લોડીંગ થાય છે. કેટલાંક ટ્રક  માલિકો રોયલ્ટી લઈને ટ્રક લોડિંગ કરે છે. ટ્રક માલિકો દ્વારા રોયલ્ટી માંગવામાં આવે ત્યારે લીઝ સંચાલક દ્વારા જણાવવામાં આવે છે કે રોયલ્ટી જોઇતી હોય તો ઓવરલોડ નહીં મળે અને ઓવરલોડ રેતી જોઈતી હોય તો રોયલ્ટી નહીં મળે !

તેમ ખુલ્લેઆમ ગેરરીતિ કરી રહ્યા છે.  જેના પગલે અસંખ્ય ટ્રકોમાં રોયલ્ટી વગર રેતી ટોઠીદરા તરસાલીથી ભરવામાં આવી રહી છે. રોયલ્ટી વગર ટ્રકો પસાર થતા ઝઘડિયા તાલુકામાં નવ જગ્યાએ પોલીસ ઊભી રહે છે પરંતુ પોલીસ દ્વારા રોયલ્ટી ચકાસણીના નામે તોડ-પાણી કરવામાં આવતો હોવાનું ટ્રક માલિકો તેમજ ટ્રક ચાલકો જણાવી રહ્યા છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.