ટોપઅપ માટે રૂપિયા ૫ હજાર ઉછીના લીધેલા, પરત નહીં કરતાં પડોશીએ અપહરણ કરી હત્યા કરી
ઉજજૈન: મધ્યપ્રદેશમાં પબજી અને ફ્રી ફાયર ગેમની લત એક વિદ્યાર્થીની હત્યાનું કારણ બન્યું છે. ઉજ્જૈનના નાગદાના યુવકે ગેમના ટોપઅપ માટે પડોશી યુવક પાસેથી રૂપિયા ૫ હજાર ઉછીના લીધા હતા, જ્યારે તેણે આ નાણાં પરત કર્યાં નહીં તો પડોશી સાથે ઝઘડો થઈ ગયો હતો. સ્થિતિ એટલી હદ સુધી બગડી ગઈ કે પડોશીએ તેનું અપહરણ કરી લીધું અને ગળું દબાવી હત્યા કરી નાખી. આ વિદ્યાર્થીનો મૃતદેહ શનિવારે મળ્યો હતો. પોલીસે રવિવારે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે આરોપી યુવકનું નામ જાહેર કર્યું નથી.
પોલીસે આપેલી માહિતી પ્રમાણે, શિવ કોલોનીના બેરછા રોડ ખાતે રહેતા રિતેશ ગુર્જરવાડિયા (૧૭) ધોરણ-૧૧નો વિદ્યાર્થી હતો. તેને પબજી અને ફ્રી ફાયર ગેમની ટેવ પડી ગઈ હતી. રિતેશે ગેમના લેવલ પાર કરવા માટે ટોપઅપ કરાવ્યું હતું. આ માટે પડોશી યુવક પાસેથી રૂપિયા ૫ હજાર ઉછીના લીધા હતા. રિતેશનો મૃતદેહ બિડલા ગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવ્યો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે, રિતેશ શુક્રાવરે રાત્રે ૭ વાગે કરાટે ક્લાસ જવાનું કહી ઘરેથી તેના મિત્રો સાથે નિકળ્યો હતો. રાત્રે લગભગ ૯ઃ૩૦ વાગે તેના પિતા રાધેશ્યામ ગુર્જરવાડિયાના મોબાઈલ પર રિતેશના મોબાઈલ નંબર પરથી કોલ આવ્યો. આ કોલ કરનાર અન્ય કોઈ વ્યક્તિ હતી. તેણે રિતેશનું અપહરણ કર્યાંની વાત કહેતા એક લાખ રૂપિયા માગ્યા હતા.
ત્યારબાદ પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી હતી. દરમિયાન શનિવારે સાંજે રાધેશ્યાનના મોબાઈલ પર કોઈ અપરિચિત નંબર પરથી કોલ આવ્યો. કોલરે કહ્યું તમારા દિકરાની લાશ મ્ઝ્રૈં કોલોનીમાં છે, લઈ જાઓ. આ સાંભળીને પિતા પર જાણે આભ તૂટી પડ્યું. તે પોલીસ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યો. જ્યાં રિતેશનો મૃતદેહ પડ્યો હતો.
એસપી સત્યેન્દ્ર શુક્લાએ જણાવ્યું હતું કે રિતેશ ઓનલાઈન ગેમ પબી અને ફ્રી ફાયર ગેમના લેવલ પાર કરવા માટે ટોપઅપ કરાવતો હતો. આ માટે તેણે પોતાના પડોશી પાસેથી રૂપિયા ૫ હજાર લીધા હતા. તે આ નાણાં પરત કરી શક્યો ન હતો. તેને લીધે શુક્રવારે રાત્રે આરોપી અને રિતેશ વચ્ચે ઝઘડો થઈ ગયો. આરોપીએ રિતેશનું ગળુ દબાવી દીધુ હતું. અત્યારે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પબજી અને ફ્રી ફાયર ગેમ્સમાં રમતી વખતે લેવલ પાર કરવા અને મેમ્બરશિપ લેવા સાથે લેવલ, સ્કીન, ગન્સ, વેપન્સ, કોસ્ટ્યુમ વગેરે માટે ટોપઅપ કરાવવું પડે છે. તેમા નાના ટોપઅપનો ચાર્જીસ રૂપિયા ૫૦૦થી લઈ રૂપિયા ૪૦૦૦ સુધી હોય છે. લેવલ વધારવા માટે બાળકો ગેમની લતમાં પડી જાય છે.