ટ્રક-કન્ટેનરના ગુપ્ત ખાનાંમાંથી ૧૪.૪૭ લાખનો વિદેશી દારૂ ઝડપતી અરવલ્લી એલસીબી
તહેવારોમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો બન્યા હાઇટેક :
દરવખતે તહેવારો નજીક હોય ત્યારે બુટલેગરો સક્રિય બનતા હોય છે.અને અવનવા પ્રકારે વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવે છે અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે બુટલેગરો સામે લાલ આંખ કરતા જીલ્લા પોલીસતંત્રને જીલ્લામાં પ્રોહિબિશનની કામગીરી માટે શખ્ત આદેશ આપતા હાલ પોલીસની કામગીરી જોઈને બુટલેગરો પણ સચેત બન્યા છે. અને અવનવા કીમિયા અપનાવીને દારૂની હેરાફેરી કરતા જોવા મળ્યા છે.
જેમકે ટ્રાન્સપોર્ટના વાહનો, વૈભવી કારોમાં, ચોર ખાનાઓમાં, ટાયરમાં દારૂનો જથ્થો સંતાડીને દારૂનો જથ્થો હેરાફેરી કરતા હોય છે. જોકે છેલ્લા ઘણા સમયથી અરવલ્લી એલસીબી પોલીસ બુટલેગરોના નીતનવા કિમિયાને પણ નિષ્ફળ બનાવી રહી છે અરવલ્લી એલસીબી પોલીસે વાંટડા ટોલપ્લાઝા નજીકથી બાતમીના આધારે ટ્રક-કન્ટેનરમાંથી ૧૪.૪૭ લાખથી વધુનો દારૂ ઝડપી પાડી એક ખેપીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
અરવલ્લી એલસીબી પીઆઇ આર.કે.પરમાર અને તેમની ટીમે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે ટીસીઆઈ એક્સપ્રેસ લખેલ કન્ટેનરમાં દારૂની ખેપ થઇ રહી છે.
એલસીબી પોલીસે વાંટડા ટોલપ્લાઝા નજીક નાકાબંધી કરી વોચમાં ગોઠવાઈ હતી શામળાજી તરફથી બાતમી આધારીત ટ્રક-કન્ટેનર પહોંચતા કોર્ડન કરી અટકાવી ટ્રક-કન્ટેનરને અટકાવી તલાસી લેતા ટ્રક-કન્ટેનર ખાલી જણાઈ આવ્યું હતું.
પરંતુ બાતમી સચોટ હોવાથી કન્ટેનરની અંદર ઉંડાણમાં ગુપ્ત ખાનું હોવાનું અને સ્ટીલના પતરાથી બનાવેલ હોવાથી ગેસ કટર વડે ગુપ્તખાનું ઢાંકવા બનાવેલ પતરું કાપતાં અંદરથી વિદેશી દારૂની અધધ પેટીઓ મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી.
પોલીસ ટ્રક-કન્ટેનર માંથી વિદેશી દારૂની બોટલ નંગ-૨૪૧૨ કીં.રૂ.૧૪૪૭૨૦૦/-નો જથ્થો જપ્ત કરી ટ્રક કન્ટેનરના ક્લીનર રવી શ્રીપાલ પાલ (રહે,સરોરા-યુ.પી) ને ઝડપી લીધો હતો ટ્રક-કન્ટેનર મળી કુલ રૂ.૨૪૪૭૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક-કન્ટેનર ચાલક નાસી છૂટતા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
અરવલ્લી એલસીબી પોલીસે ટ્રક-કન્ટેનરમાં વિદેશી દારૂ ભરી આપનાર બુટલેગર અને રાજ્યમાં કયા વિસ્તારમાં બુટલેગરને ત્યાં દારૂનો જથ્થો ઠાલવવાનો હતો તે અંગે ક્લીનરની સઘન પૂછપરછ હાથધરી હતી.